કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં બાર હજાર રૂપિયાની ઉઘરાણી મુદ્દે બિહારનો યુવક પરિચિત મહિલાના પોણા ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરીને દિલ્હી તરફ નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. આરોપી પ્રવિણકુમાર શાહુ નામનો શખ્સ અપહૃત બાળકની માતાના ઘરે માસિક ચાર હજાર રૂપિયા આપીને ભોજન કરતો હતો. છેલ્લાં ત્રણેક મહિનાની રકમ ચઢી જતાં મહિલાએ રૂપિયા ચૂકવવા જણાવતાં તેણે આ હિન કરતૂત આચર્યું છે. આરોપી મા દીકરીને કામે રખાવવા કચ્છ લાવેલો
ઘટના અંગે પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપની સામે આવેલી મથુરા કોલોનીમાં ૨૪ વર્ષિય નવીશા અસ્લમ અન્સારી છ માસ અગાઉ તેના પોણા ત્રણ વર્ષના પુત્ર અને માતા સાથે રહેવા આવી હતી. નવીશા બિહારના મધુબનીના લોફા બિહારની વતની છે. નવીશાની માતા વેલસ્પનમાં નોકરી કરે છે, નવીશાનો પતિ બિહાર રહે છે. વેલસ્પનમાં નોકરી કરતો પ્રવિણકુમાર શાહુ કે જે લોફા બિહારનો વતની છે તે આ મા દીકરીને ઓળખે છે અને તેણે જ વેલસ્પનમાં નોકરીએ રખાવવાના નામે મા દીકરીને અહીં બોલાવ્યાં હતા. પ્રવિણ નવીશાની બાજુની સોસાયટી સાગર રેસિડેન્સીમાં એકલો રહે છે.
મહિને ૪ હજાર ચૂકવી આરોપી ઘરે જમવા આવતો
એકલો રહેતા પ્રવિણ મહિને ચાર હજાર રૂપિયા ચૂકવીને નવીશાના ઘેર જમવા આવતો હતો. શરૂઆતના બે મહિના તેણે સમયસર પૈસા ચૂકવ્યાં હતા પરંતુ છેલ્લાં ત્રણ માસથી રૂપિયા ચૂકવતો નહોતો અને બાર હજાર રૂપિયા ‘ચઢી’ ગયાં હતાં.
૩ માસની બાકી રકમ માંગતા પુત્રનું અપહરણ કર્યું
રવિવારે બપોરે બાર વાગ્યે પ્રવિણ ઘરે જમવા આવ્યો ત્યારે નવીશાએ તેને રૂપિયાની ચૂકવણી કરવા જણાવતાં તેણે રૂપિયા સાંજે આપી દેવાનો વાયદો કર્યો હતો.
નવીશા તેને ભોજન આપીને કપડાં ધોવા જતી રહી હતી. દરમિયાન, પ્રવિણ નવીશાના પોણા ત્રણ વર્ષના દીકરાને રમાડતો રમાડતો પોતાની સાથે લઈને નાસી ગયો હતો.
પ્રવિણ દીકરાને લઈ ગયો હોવાની જાણ થતાં માતાએ તેને ફોન કરેલો પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ મા દીકરીએ પ્રવિણની સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરેલી પરંતુ પ્રવિણ અને પુત્રનો કોઈ પત્તો ના મળતાં અંજાર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતાં.
આરોપી દિલ્હી તરફ ગયો હોવાનું સ્પષ્ટ થયું
અંજાર પીઆઈ અજયસિંહ આર. ગોહિલે જણાવ્યું કે બનાવ અંગે તુર્ત જ ફરિયાદ નોંધી આરોપીને શોધવા તપાસ શરૂ કરી છે. ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી પ્રવિણ દિલ્હી બાજુ હોવાનું સ્પષ્ટ થતાં અમે એક ટીમને તુરંત દિલ્હી તરફ રવાના કરી છે.
Share it on
|