કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના રાજકીય અને સામાજિક આગેવાન તથા તેમના પરિવારે પરિણીત પુત્રના પરસ્ત્રી સાથેના મૈત્રીકરારથી નારાજ થઈને તે સ્ત્રીને પુત્રની આઈસ ફેક્ટરીમાં મારકૂટ કરી હોવાની ફરિયાદ નલિયા પોલીસ મથકે દાખલ થઈ છે. હાલ ભુજમાં રહેતી મેઘનાબેન કીર્તિકુમાર પરમાર નામની ૩૪ વર્ષિય મહિલાએ નલિયાના હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા, તેમના પત્ની પૂજાબા, પુત્ર બ્રિજપાલસિંહ અને ભાઈ ઈન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા સામે ઈપીકો ૩૨૩, ૨૯૪ (બી) અને ૫૦૭ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મેઘનાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે સાડા પાંચ વર્ષ અગાઉ તેણે જસપાલસિંહ હકુમતસિંહ જાડેજા સાથે મૈત્રી કરાર કરેલો. જસપાલસિંહ પહેલાંથી પરિણીત છે. જસપાલ સાથેના સંબંધોથી ફરિયાદીને પુત્ર જન્મેલો જે હાલ ત્રણ વર્ષનો છે. બેઉ જણ નલિયાના હરિઓમનગરમાં ચાર વર્ષ સુધી સાથે રહેલાં.
ફરિયાદીએ આરોપ કર્યો છે કે જસપાલના પિતા સહિતના પરિવારજનો મૈત્રી કરારથી નારાજ હોઈ ફરિયાદીને અવારનવાર ત્રાસ આપતાં હોઈ ફરિયાદી ભુજમાં માતાના ઘરે રહેવા આવી ગઈ છે.
નલિયાનું ખાલી મકાન ભાડે આપવા માટે ફરિયાદી ૧૨ માર્ચે નલિયા આવેલી. સાંજે સાડા છના અરસામાં એસટી બસમાં બેસી પરત ભુજ જતી હતી ત્યારે જસપાલસિંહે ફોન કરી તેને નલિયા રોકાઈ જવાનું કહીને પોતે માતા-પિતાને મળી તેમના સંબંધો અંગે વાત કરીને શાંતિથી રહેવા દે તેવી સમજાવટ કરશે તેમ કહેલું. જેથી ફરિયાદી બસમાંથી ઉતરી ગયેલી. થોડીકવાર બાદ જસપાલ બાઈક પર ફરિયાદીને બેસાડીને જખૌ રોડ પર આવેલી તેની આઈસ ફેક્ટરીમાં લઈ ગયો હતો.
બેઉ રાત્રે ફેક્ટરીમાં વાતો કરતાં હતા ત્યારે જસપાલના પિતા હકુમતસિંહ અને ભાઈ બ્રિજપાલસિંહે ફેક્ટરીમાં આવીને બખેડો કરી ફરિયાદીને લાફા માર્યા હતાં.
હકુમતસિંહે તેમના પત્ની પૂજાબાને ફોન કરી ફેક્ટરીમાં બોલાવેલાં અને પૂજાબાએ પણ ફરિયાદી જોડે મારકૂટ કરેલી. ડખા સમયે હકુમતસિંહે તેમના ભાઈ ઈન્દ્રજીતસિંહ જાડેજાને ફોન કરી સ્પીકર ઓન કરીને વાતચીત કરેલી. ફરિયાદીએ આરોપ લગાડ્યો છે કે ઈન્દ્રજીતસિંહે જસપાલ અને ફરિયાદીના ફોન મેળવી લઈ, ફરિયાદીને મારી નાખી ફેક્ટરીમાં દાટી દેવાની ધમકી આપેલી. જો કે, પોતે ગમે તેમ કરીને ફેક્ટરીમાંથી બહાર ભાગી ગઈ હતી અને જસપાલના મિત્રોને વાત કરતાં તેઓ તેને કારમાં માતાના ઘરે ભુજ મૂકી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ફરિયાદમાં બનાવ ૧૨ માર્ચની રાત્રે બન્યો હોવાનું લખાવાયું છે પરંતુ ફરિયાદ છેક સાડા ચાર મહિને દાખલ થઈ છે. આ વિલંબ અંગે ફરિયાદમાં કશો ખુલાસો નથી.
અમને ફરિયાદ વિશે કંઈ ખબર નથીઃ ઈન્દ્રજીતસિંહ
ફરિયાદ મામલે ઈન્દ્રજીતસિંહ જાડેજાએ કચ્છખબર સમક્ષ અજાણતા દર્શાવી કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરતાં કહ્યું કે અમારા વિશે આવી કોઈ ફરિયાદ દાખલ થઈ છે કે કેમ તેની અમને ખબર જ નથી.
Share it on
|