કચ્છખબરડૉટકોમ, ભુજઃ રીસામણે બેઠેલી પત્નીને છૂટાછેડાં ના આપ્યાં હોવા છતાં તેણે ગેરકાયદે રીતે બીજા લગ્ન કરી લીધાં. એ તો ઠીક પહેલાં પતિ પાસેથી ગેરકાયદે રીતે ભરણપોષણના પૈસા પડાવવા હેતુ રાજકોટ કૉર્ટમાં કેસ દાખલ કર્યો. હદ તો ત્યાં થઈ કે પતિ અને સાસરીયાને હેરાન પરેશાન કરવા કાગળ પર બોગસ સરનામું દર્શાવીને ગાંધીનગરની કૉર્ટમાં પણ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો. મામલો કૉર્ટમાં પહોંચતા નલિયા પોલીસે પતિએ પત્ની, સસરા અને બીજા પતિ સામે ગંભીર કલમો તળે FIR દાખલ કરી છે. લગ્નના થોડાં જ માસમાં પત્ની રીસામણે બેઠેલી
અબડાસાના તેરા ગામે રહેતા વીરભદ્રસિંહ જીલુભા સોઢાએ પોલીસને જણાવ્યું કે ૧૯-૧૧-૨૦૧૮ના રોજ કોઠારા ગામે આયોજીત સમૂહ લગ્નમાં તેણે સાણંદના ગોધાવી રહેતી ભાગ્યશ્રીબા સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કરેલાં. જો કે, થોડાંક માસમાં જ પત્નીને સંયુક્ત પરિવારમાં રહેવાનું ફાવ્યું નહોતું અને પતિ સાથે મતભેદ થતાં તેના પિતા રણજીતસિંહ જાડેજા (રહે. સરકારી કોલોની, રેસકોર્સ રોડ, રાજકોટ) તેને તેરા આવીને પોતાના ઘેર તેડી ગયેલાં. ત્યારબાદ ૨૦૧૯માં ભાગ્યશ્રીએ પતિ સામે રાજકોટ ફેમિલી કૉર્ટમાં ભરણપોષણ મેળવવા માટે દાવો દાખલ કર્યો હતો.
છૂટાછેડાં ના થયાં હોવા છતાં બીજા લગ્ન કર્યાં
પોતે પરિણીત હોવા છતાં તથા છૂટાછેડાં ના થયાં હોવા છતાં ભાગ્યશ્રીએ ગોધાવીમાં રહેતા હિતેન્દ્રસિંહ ભુરૂભા વાઘેલા જોડે બીજા લગ્ન કરેલાં. હિતેન્દ્રને પણ ભાગ્યશ્રી પરિણીત હોવાની જાણ હતી છતાં તેણે બીજા લગ્ન કરેલાં. બીજા લગ્ન બાદ ભાગ્યશ્રીને ૦૪-૦૪-૨૦૨૩ના રોજ દીકરી જન્મેલી. ભાગ્યશ્રી અને તેના પિતાએ રંગેચંગે શ્રીમંતનો પ્રસંગ પાર પાડેલો. દરમિયાન, ભાગ્યશ્રીએ પતિ અને સાસરીયાને પરેશાન કરવાના હેતુથી ગાંધીનગર કૉર્ટમાં ઘરેલુ હિંસા તળે ફરિયાદ અરજી દાખલ કરી હતી.
કૉર્ટના હુકમ બાદ પોલીસે દાખલ કરી ફરિયાદ
ફરિયાદીએ પત્નીએ ગેરકાયદે કરેલાં બીજા લગ્ન, શ્રીમંત અને દીકરીના જન્મના પ્રમાણપત્ર સહિતના પૂરાવા સાથે નલિયા કૉર્ટમાં કરેલી અરજીના પગલે કૉર્ટે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. નલિયા પોલીસે ભાગ્યશ્રી, તેના પિતા રણજીતસિંહ સોઢા, બીજા પતિ હિતેન્દ્રસિંહ વાઘેલા સામે ઈપીકો કલમ ૪૦૬, ૪૧૭, ૪૧૮, ૪૧૯, ૪૨૦, ૪૯૩, ૪૯૪, ૪૯૫, ૪૯૬, ૪૯૮, ૧૧૪ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|