કચ્છખબરડૉટકોમ, કોઠારાઃ અબડાસાના કોઠારા ગામે પાણી ભરેલાં તળાવમાં બે અજાણ્યા યુવકો ડૂબી જવાથી ભારે દોડધામ મચી ગઈ હતી. આજે સાંજે ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા જંગી તળાવે દુર્ઘટના સર્જાઈ હતી. સાંજે સાડા પાંચના અરસામાં બનાવ બન્યો હતો.
Video :
નજરે જોનારાં લોકોએ દાવો કર્યો કે બેઉ યુવક નશામાં ચકચુર હોય તેમ લથડિયાં ખાતાં હતાં. એક જણો હાથમાં મોબાઈલ લઈને રીલ બનાવવા માટે તળાવ કાંઠે આવમાં પડ્યો હતો. જો કે, પડતાં વેંત પાણીના પ્રવાહમાં તણાવા માંડ્યો હતો.
તેને બચાવવા માટે બીજો યુવક પણ પાણીમાં પડ્યો હતો અને જોતજોતામાં બેઉ ડૂબવા માંડ્યાં હતાં. યુવકોને તણાતાં જોઈ તેમને બચાવવા ગામના ચાર તરવૈયાઓ પાણીમાં ખાબક્યાં હતાં અને બેઉને પાણીમાંથી શોધી માંડ બહાર કાઢ્યાં હતાં. જો કે, એક જણનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે ભુજ ખસેડાયો છે. બંને યુવક પરપ્રાંતીય હોવાની શક્યતા છે. કોઠારા પોલીસે જણાવ્યું કે મૃતક યુવકનું નામ-ઓળખ સ્પષ્ટ થયાં નથી. સમગ્ર બનાવની વીડિયો ક્લિપ ભારે વાયરલ થઈ રહી છે.