કચ્છખબરડૉટકોમ, નલિયાઃ કચ્છના સરહદી જખૌ પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોરીના બે જુદાં જુદાં ગુના સબબ પોલીસે ૪૫ હજાર રૂપિયાના મૂલ્યના જપ્ત કરેલાં ૭૫ કિલોથી વધુ વજનના કેબલ સહિતનો મુદ્દામાલ ચોરાઈ ગયો છે. છેલ્લાં એક માસ દરમિયાન થયેલી કેબલ ચોરી અંગે જખૌ પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરવાના પ્રકરણમાં અગાઉ આ જ પોલીસ મથકમાં ફરજ બજાવતાં એક ખાખીધારી સહિત બે જણની સંડોવણી પાધરી થઈ છે. બેઉને આઈડેન્ટીફાય કરીને ઉપાડી લેવાયાં બાદ ગત મોડી રાત્રે પોલીસે ફરિયાદ નોંધી છે.
ચોરીનો બનાવ બીજી ફેબ્રુઆરીએ ધ્યાનમાં આવ્યાં બાદ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા અને ફરિયાદ નોંધવાના બદલે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી.
તસ્કરો પોલીસ સ્ટેશન પાછળ આવેલા મુદ્દામાલ રૂમનું તાળું તોડ્યા વગર નકુચો વાળીને રૂમ ખોલી ભારેખમ સામાન ચોરી ગયાં હતાં. જાણભેદુની મદદ વગર પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં હાથ મારવાની હિંમત કોણ કરી શકે તે એંગલ પર તપાસ હાથ ધરાઈ હતી. જો કે, પોલીસે હજુ ગુનાશોધન અંગે વિધિવત્ જાહેરાત કરી નથી. આગામી એક બે દિવસમાં આ મામલે પોલીસ ફોડ પાડે તેવી શક્યતા છે.
Share it on
|