કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના અંતરિયાળ ગામોના અબુધ યુવાનો પાસેથી રૂપિયા મેળવીને તેમને ભુજ આરટીઓ કચેરીના બોગસ હેવી લાયસન્સ ઈસ્યૂ થતાં હોવાના કૌભાંડનો પશ્ચિમ કચ્છ એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ૧૪ યુવાનો પાસેથી રૂપિયા મેળવીને બોગસ ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યૂ કરનાર દક્ષિણ ગુજરાતના જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરી ઊર્ફે પિન્ટુ નામના માસ્ટર માઈન્ડને એસઓજીએ દબોચી લીધો છે. ઓનલાઈન ખરાઈ કરતાં જ વિસંગતતાઓ નજરે ચઢી
અબડાસામાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં માલ સામાનનું પરિવહન કરતાં અબડાસાના વિવિધ ગામના ૧૪ જેટલાં ટ્રકચાલકો પાસે બોગસ હેવી ડ્રાઈવીંગ લાયસન્સ હોવાની એસઓજીને નામજોગ બાતમી મળેલી. જેના પગલે એસઓજીએ બે દિવસ અગાઉ તમામ ૧૪ ટ્રક ડ્રાઈવરોને ડ્રાઈવીંગ લાયસન્સ સાથે વાગોઠ ચેક પોસ્ટ ખાતે બોલાવ્યાં હતાં.
એસઓજીએ mParivahan પોર્ટલ પર ડ્રાઈવીંગ લાયસન્સના નંબર અને જન્મ તારીખની ઓનલાઈન ચકાસણી કરતાં તેમાં ઘણી વિસંગતતા જોવા મળેલી.
ડ્રાઈવરોની પૂછપરછમાં જાણવા મળેલું કે તેઓ ભુજ આરટીઓ કચેરીમાં કદી ગયાં જ નહોતા કે કોઈ પ્રકારનો ડ્રાઈવીંગ ટેસ્ટ પણ આપ્યો નહોતો. એસઓજીએ તમામ ડ્રાઈવીંગ લાયસન્સ જપ્ત કરીને ભુજ આરટીઓ કચેરીમાં ખરાઈ માટે મોકલી આપતાં આ ડ્રાઈવીંગ લાયસન્સ ખોટાં હોવાનું પૂરવાર થયું છે.
દક્ષિણ ગુજરાતનો જીતેન્દ્ર ચૌધરી માસ્ટર માઈન્ડ
ડ્રાઈવરોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે વલસરા ગામના જુમા હારૂન મિંયાજી અને ઈસ્માઈલ ઈબ્રાહિમ દરાડ, વાગોઠ ગામના ફરદીન અલીમામદ સુમરા અને ઈરફાન હારૂન કેર તથા મોકરશી વાંઢના સલીમ ખાન મોકરશી નામના યુવકોએ જીતેન્દ્ર ચૌધરી ઊર્ફે પિન્ટુભાઈ નામના શખ્સને ગૂગલ પે તથા વચેટિયાઓ મારફતે રૂપિયા ચૂકવીને આ બોગસ લાયસન્સ બનાવ્યાં હતાં.
વલસરાના હાજી હુસેન મિંયાજીએ ગામના આમદ સોઢા નામના વચેટિયા મારફતે, વાગોઠના સલીમ જુમા સુમરાએ ગામના ઈસ્માઈલ હાસમ દરાડ નામના વચેટિયા મારફતે, વાગોઠના જાવેદ હારુન કેરે ગામના ઈરફાન હારૂન કેર નામના વચેટિયા મારફતે લાયસન્સ બનાવડાવ્યાં હતાં.
વાગાપધ્ધરના રતનજી સંગ્રામજી જાડેજા, અર્જુનસિંહ હરિસંગજી પઢિયાર, પ્રેમજી હાલુભા પઢિયાર અને નાની ધૂફીના જયદીપસિંહ જગમાલજી જાડેજાએ વાગાપધ્ધર ગામના વચેટિયા મહિપતસિંહ ઊર્ફે મુરુભા લખિયારજી જાડેજા પાસે લાયસન્સ બનાવડાવેલાં. મોકરશી વાંઢના કાદર ખાન મોકરશી અને ઈમરાન ઓસમાણ ખોડે મોકરશી વાંઢ રહેતા વચેટિયા સલીમ ખાન પાસે લાયસન્સ બનાવડાવ્યાં હતાં.
SOGએ સરકાર તરફે નોંધાવી ફરિયાદ
એસઓજીએ પિન્ટુભાઈ અને તપાસમાં ખૂલે તે તમામ શખ્સો વિરુધ્ધ અંગત આર્થિક ફાયદો મેળવવા ખાતર પોતે અધિકૃત ના હોવા છતાં ભુજ RTOની બોગસ ઈલેક્ટ્રોનિક સહી કરીને ગેરકાયદેસર રીતે કોમ્પ્યુટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી બોગસ ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યૂ બનાવવા સબબ વાયોર પોલીસ મથકે સરકાર તરફે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જે યુવાનોને બોગસ લાયસન્સ ઈસ્યૂ થયાં છે તેમને ફરિયાદમાં સાક્ષી બનાવાયાં છે. પોલીસ ઈન્સ્પેક્ટર કુલદીપ ગઢવીએ તપાસ હાથ ધરી છે.
Share it on
|