કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના ખાનાય ગામે પારકી માલિકીનું ખેતર ગેરકાયદે પચાવી પાડવા બદલ એક જ પરિવારના સામટાં ૬ લોકો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફોજદારી ફરિયાદમાં ફીટ થયાં છે. વાવવા માટે આપેલી જમીન પચાવી પાડી હોવાનો ફરિયાદીએ આરોપ કર્યો છે. ગાંધીધામના ટ્રાન્સપોર્ટર અને ખાનાય ગામના વતની ગેમરસિંહ જબ્બરસિંહ સોઢાએ ૦૨-૦૭-૨૦૨૧ના રોજ સુરત સ્થાયી થયેલાં ટીમ્બર વેપારી વાલજી દેવશી પટેલ પાસેથી ખાતા નંબર ૫૭ની રેવન્યૂ સર્વે નંબર ૧૭૫, ૨૦૬, ૨૧૫, ૨૨/૧૧ની હેક્ટર ૧૧-૭૨-૫૮ આરે જમીન ખરીદી હતી. જે પૈકી સર્વે નંબર ૧૭૫ની ૩ હેક્ટર જમીન ૩ વર્ષ પૂર્વે ગામના ઈસ્માઈલ મીરાશા નોડેને વાવવા આપી હતી. જો કે, ઈસ્માઈલ અને તેના પરિવારે આ જમીન પચાવી પાડી છે.
ફરિયાદીએ જણાવ્યું કે ઈસ્માઈલ અને તેનો પરિવાર જમીનમાં પ્રવેશવા દેતો નથી. ગામના આગેવાનોએ સમજાવટ કરી પરંતુ માન્યાં નહીં અને મારી નાખવાની ધમકીઓ આપી.
આ મામલે અબડાસા પ્રાંત અધિકારીની કૉર્ટમાં કેસ કરેલો પરંતુ વારંવાર નોટીસો છતાં આરોપીઓ એકેય વખત હાજર થયાં નહોતાં. આ મામલે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે કરેલી અરજીની સુનાવણી કર્યાં બાદ કલેક્ટરની સમિતિએ ફોજદારી ફરિયાદ નોંધાવવા હુકમ કરતાં ગેમરસિંહે આજે ઈસ્માઈલ મીરાશા નોડે, અમીનાબાઈ ઈસ્માઈલ નોડે, જુસબ ઈસ્માઈલ નોડે, રોશનબાઈ જુસબ નોડે, સલીમ ઈસ્માઈલ નોડે, શરીફાબાઈ સલીમ નોડે વિરુધ્ધ નલિયા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
Share it on
|