કચ્છખબરડૉટકોમ, નલિયાઃ નલિયા ભાનાડાસ્થિત એરફોર્સ બેઝમાં સિપાઈ તરીકે ફરજ બજાવતાં હિમાચલ પ્રદેશના ૩૯ વર્ષિય સુરક્ષા જવાને માથામાં ગોળી મારી જીવનનો અણધાર્યો અંત આણી દેતાં સુરક્ષા દળોમાં અરેરાટી છવાઈ ગઈ છે. મંગળવારે સાંજે પોણા સાતથી સાતના અરસામાં બનાવ બન્યો હતો. ઘટનાની પ્રાથમિક તપાસ કરનારા નલિયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.બી. ટાપરિયાએ જણાવ્યું કે મરણ જનાર પરમજીતસિંઘ હરનામસિંઘ ડ્યુટી પર હતો. તેણે ગાર્ડ રૂમમાં રાયફલને ઑટો મોડ પર રાખીને ટ્રિગર દબાવતાં જ ધડાધડ ત્રણ ગોળી માથાને વીંધી આરપાર નીકળી ગઈ હતી.
છેલ્લાં દોઢ વર્ષથી તે અહીં એકલો રહીને ફરજ બજાવતો હતો. મૃતકનો પરિવાર હિમાચલ પ્રદેશમાં વસવાટ કરે છે. આપઘાતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
પરિવારજનોના નિવેદન બાદ પરમજીતના અંતિમ પગલાં અંગે કોઈ જાણકારી મળી શકે. ઉલ્લેખનીય છે કે ગત ૧૫ નવેમ્બરની રાત્રે ભુજ એરબેઝમાં એરફોર્સના સ્પેશિયલ ગરુડ કમાન્ડોએ માથામાં પિસ્તોલથી ગોળી ધરબી આપઘાત કર્યો હતો. તો, ૧૮ નવેમ્બરે ખાવડા નજીક રણ સરહદે બીઓપીમાં તૈનાત સીમા સુરક્ષા દળના જવાને પણ માથામાં ગોળી મારી આપઘાત કર્યો હતો.
Share it on
|