કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના ડુમરા ગામે જૂની અદાવતમાં ૨૭ વર્ષિય યુવક પર લોખંડના પાઈપને માર મરાતાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. ૧૧ જૂલાઈની સાંજે ૬ વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેન્ડ પર સરાજાહેર હુમલાનો બનાવ બન્યો હતો. ઈરફાન મામદ સુમરા નામનો યુવક ભુજ આવવા માટે બસ સ્ટેન્ડ પર ટ્રાવેલ્સની બસની રાહ જોતો હતો ત્યારે જૂના ઝઘડાની અદાવત રાખીને ગામના વિક્રમસિંહ ભોજરાજસિંહ રાઠોડ તથા શૈતાનસિંહ રાઠોડે તેની પાસે આવે ભૂંડી ગાળો ભાંડીને મુઢ માર માર્યો હતો. માર મારીને બેઉ ત્યાંથી જતા રહેલાં. થોડીકવાર બાદ તેમનું ઉપરાણું લઈને અન્ય ચાર જણાં યુવરાજસિંહ ઊર્ફે ઈલુ નરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, લાલો જાડેજા અને જયપાલસિંહ જાડેજા હાથમાં લોખંડના પાઈપો સાથે ત્યાં ધસી આવ્યાં હતાં.
ચારે જણે ‘તેં કેમ વિક્રમસિંહ અને શૈતાનસિંહ જોડે માથાકૂટ કરી છે? તું હજી સુધર્યો નથી’ કહી ઈરફાન પર તૂટી પડ્યાં હતાં. હુમલામાં તેના ડાબા હાથ અને પગે ફ્રેક્ચર તથા માથા અને અંગુઠામાં ચાર ચાર ટાંકા જેટલી ઈજા પહોંચી હતી.
ઇરફાનને પ્રથમ માંડવી અને બાદમાં ભુજની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. ઘટના અંગે કોઠારા પોલીસે બીજા દિવસે તમામ વિરુધ્ધ હુમલાની ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન, ઈરફાનની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજતાં પોલીસે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી ચાર આરોપીની ધરપકડ કરી લઈ ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે.
Share it on
|