કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના જખૌમાં ૫૦ હજાર રૂપિયા સુથી પેટે લઈને ૨.૬૦ લાખમાં જમીન વેચાણ માટેનો સાટા કરાર કર્યાં બાદ જમીન લખી આપનારે ફરી જઈને બારોબાર બીજી પાર્ટીને જમીન વેચી મારતાં મામલો પોલીસ દફ્તરે ચઢ્યો છે. જખૌ રહેતા ૭૦ વર્ષિય દયારામ શિવજીભાઈ જોઈસરે છેતરપિંડી અને ઠગાઈ અંગે સાટા કરાર કરનાર અને જમીન ખરીદનાર મહિલા બેઉ સામે નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૫૦ હજાર સુથી આપીને સાટા કરાર કરેલો
દયારામભાઈએ જણાવ્યું કે ૧૪-૧૦-૨૦૨૨ના રોજ તેમણે તેમના ખેતરની બાજુમાં આવેલા સર્વે નંબર ૧૨૮૮નું ઠામ કે જે સંયુક્ત માલિકીનું હતું તે રાજેન્દ્રસિંહ રવુભા જાડેજા (રહે. પ્રમુખસ્વામીનગર, ભુજ) પાસેથી ૨.૬૦ લાખ રૂપિયામાં ખરીદવા માટે નલિયામાં નોટરી પાસે સાટા કરાર કરેલો. સાટા કરાર સમયે તેમણે રાજેન્દ્રને ૨૫ હજાર રૂપિયા સુથી પેટે ચૂકવેલાં. દસ્તાવેજના દિવસે તમામ સંયુક્ત ખાતેદારોને હાજર રખાવવાની રાજેન્દ્રએ જવાબદારી લીધી હતી. બે દિવસ બાદ રાજેન્દ્રએ કાકાઓને નાણાં આપવા બાકી રહ્યાં હોઈ તેમને આપવા પેટે સુથી પેટે વધુ ૨૫ હજાર રૂપિયા રોકડાં મેળવ્યાં હતાં.
દસ્તાવેજના દિવસે પાર્ટી ફોન બંધ કરીને ગાયબ
૨૧-૧૦-૨૦૨૨ના રોજ દસ્તાવેજ કરવાનો હતો પરંતુ રાજેન્દ્ર મોબાઈલ ફોન બંધ કરીને ગાયબ થઈ ગયેલો. છેક છ મહિને અચાનક નલિયામાં ચાની હોટેલ પર મળ્યો ત્યારે ભત્રીજાના લગ્નનું બહાનું કાઢીને આઠ દસ દિવસ પછી દસ્તાવેજ કરી આપવાનો વાયદો કરેલો. ત્યારબાદ ફરી તેનો મોબાઈલ બંધ થઈ ગયેલો.
આરોપીએ વધુ ત્રણ લાખ રૂપિયા માગેલાં
થોડાંક માસ બાદ ફરિયાદી જે ઠામ ખરીદવાના હતા તે ખરીદવા કેટલાંક લોકો સ્થળ પર રૂબરૂ આવેલાં. જેથી ફરિયાદીએ ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ છાપામાં કાયદેસરની જાહેર નોટીસ પ્રગટ કરાવીને ચેતવણી ઉચ્ચારી હતી કે તે ઠામના વેચાણનો સાટા કરાર તેમણે કરેલો છે તેથી અન્ય કોઈ પાર્ટીએ ખરીદવું નહીં. જાહેર નોટીસ વાંચીને ભડકેલાં રાજેન્દ્રએ ફરિયાદીને પાસે આવીને જણાવેલું કે હું તો સાટા કરારની મુદ્દત પૂરી થાય તેની રાહ જોવું છું. જો તમારે ઠામ ખરીદવું જ હોય તો સાટા કરારમાં દર્શાવેલાં ૨.૬૦ લાખ રૂપિયા ઉપરાંત વધારાના ત્રણ લાખ રૂપિયા ચૂકવવા પડશે. જમાનાના ખાધેલ દયારામે એક રૂપિયો પણ વધુ ચૂકવવાનો ઈન્કાર કરી દીધો હતો.
સાટા કરાર છતાં મહિલાએ સોદો કરતાં તે પણ ફીટ
ડખ્ખા વચ્ચે રાજેન્દ્રએ તેરા ગામની રાજેશ્વરીબેન રમેશભાઈ ભાનુશાલી નામની મહિલા ઘરાકને શોધીને તેને ઠામ વેચી માર્યું હતું. ઠામના વેચાણ પૂર્વે છાપામાં ૨૬-૦૬-૨૦૨૪ના રોજ જાહેર નોટીસ પ્રગટ થયેલી. જેનો ફરિયાદીએ તેમના વકીલ મારફતે વાંધો લઈને કાયદેસર જવાબ પાઠવેલો. તેમ છતાં રાજેશ્વરી નામની મહિલાએ કેટલીક જમીન ખરીદી લઈ નલિયા સબ રજિસ્ટ્રાર કચેરીએ વેચાણ દસ્તાવેજ બનાવી દીધો હતો. દયારામભાઈએ રાજેન્દ્ર અને રાજેશ્વરી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
Share it on
|