કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના સુડધ્રો ગામે ભેદી સંજોગોમાં અન્યના ઘરમાંથી ગામના ૩૨ વર્ષિય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવ અંગે નલિયા પોલીસે અકસ્માત મોતની નોંધ પાડી તપાસ હાથ ધરી છે. નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગામના અબ્દુલ આમદ કેર નામના યુવક બેહોશ હાલતમાં મગન સુમારભાઈ મહેશ્વરીના ઘરમાંથી પડ્યો હતો. અબ્દુલના પરિચિત ઈશાક કેર તેને નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયાં હતા. પરંતુ ફરજ પરના તબીબે તેને સારવાર પૂર્વે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. નલિયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.બી. ટાપરીયાએ જણાવ્યું કે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની શક્યતા જણાય છે. જો કે, આવતીકાલે સવારે તબીબોની પેનલ પાસે પોસ્ટમોર્ટમ કરાયાં બાદ મૃત્યુનું સચોટ કારણ સ્પષ્ટ થશે. અબ્દુલ મગનના ઘરે શા માટે ગયેલો તે સહિતના મુદ્દે હજુ તપાસ ચાલું છે.
Share it on
|