કચ્છખબરડૉટકોમ, નલિયાઃ જખૌ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોરીના બે જુદાં જુદાં ગુના સબબ પોલીસે ૪૫ હજાર રૂપિયાની કિંમતનો ૭૫ કિલોથી વધુ ત્રાંબાના વાયરની ચોરી કરનારો જખૌ પોલીસ સ્ટેશનનો જ પૂર્વ કર્મચારી નીકળ્યો છે! જખૌ પોલીસે વાયર ચોરીના ગુનામાં હાલ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણ બાબુભાઈ પંડ્યાની ધરપકડ કરી છે. પ્રવિણે અંગત મોજશોખ માટે વાયર ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રવિણે ભુજના સ્ટેશન રોડ પર પ્રિન્સ હોટેલ પાસે આવેલા એક જીમમાં ટ્રેઈનર તરીકે કામ કરતાં તેના મિત્ર વરુણ ઊર્ફે હિરો કાનજી ગોરડિયાની બ્લેક વર્ના કારમાં જઈને વાયર ચોરીને અંજામ આપ્યો હતો.
જખૌ પોલીસે ગુનો નોંધ્યા બાદ કેમેેરા ચેક કરતાં તેમાં બ્લેક કાર જોવા મળી હતી. જેના નંબરના આધારે વરુણ ગોરડિયાની ધરપકડ કરી સોમવાર સુધીના રીમાન્ડ પર લઈ ગહન પૂછપરછ કરતાં વરુણે સમગ્ર કાવતરું હેડ કોન્સ્ટેબલ પ્રવિણ પંડ્યાએ ઘડ્યું હોવાનું કબૂલ્યું હતું.
પ્રવિણ બેએક વર્ષ અગાઉ જખૌ પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નોકરી કરતો હોઈ પોલીસ દ્વારા ગુનાના કામે જપ્ત થતાં મુદ્દામાલની તમામ વિગતોથી વાકેફ હતો.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વાયરને ચોરી બેઉ જણે દોઢ લાખ રૂપિયામાં એક વાડામાં વેચી ખાધો હતો.
પ્રવિણ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લાં બેએક વર્ષથી એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નોકરી કરે છે. સામાન્ય રીતે પોલીસ મથકોમાં મુદ્દામાલ રુમ તાળાબંધ રહેતો હોય છે અને ત્યાં જવા માટે પહેલાં પીએસઓ પાસેથી પસાર થઈ, તેની મંજૂરી મેળવવાની રહે છે. જો કે, જખૌ સહિતના કેટલાંક પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ રૂમ પોલીસ સ્ટેશનની પછવાડે આવેલો છે. પ્રવિણ આ છીંડાથી બખૂબી વાકેફ હતો.
Share it on
|