કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના સાંધાણ ગામે ગત ચોથી મેના રોજ લાપત્તા થયાં બાદ ૬ દિવસ અગાઉ ગામ નજીક આવેલા પુલિયા નીચે દોઢ ફૂટ પાણી ભરેલા ખાડામાંથી જેની લાશ મળી આવી હતી તે સુરેશ નાનજી કટુઆના અકસ્માત મોતના બનાવમાં હત્યાની આશંકા સાચી ઠરી છે. રાજસ્થાની મિત્ર અને તેના ખેતમજૂરોએ ભેગાં મળીને સામાન્ય બોલાચાલીમાં ૩૫ વર્ષિય સુરેશની હત્યા કરી નાખી હોવાનું ખૂલ્યું છે. બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થતાં બુધવારે રાત્રે રાજસ્થાની દંપતી સહિત ૬ શખ્સો સામે હત્યાની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. ચાર આરોપીને માંડવીના જખણિયા ગામની વાડીમાંથી ઝડપી લેવાયાં છે.
ચોથી મેના રોજ સુરેશ અચાનક ગૂમ થયેલો
બે પુત્રોનો પિતા એવો સુરેશ કટુઆ ચોથી મેના રોજ જમીને ‘મજૂરીએ જાવ છું’ કહીને બપોરે ત્રણ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. બીજા દિવસે પાછો ના આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરેલી. શોધખોળ દરમિયાન સુરેશના નાના ભાઈ હરેશને જાણવા મળ્યું હતું કે તે દિવસે સાંજે સુરેશ ગામના મહાદેવ ચૌધરીની વાડીએ ચોથા ભાગમાં કપાસની ખેતીનું નક્કી કરનાર સજ્જનસિંહ હરબંસસિંગ રાયશીખ (રહે. મૂળ અલવર, રાજસ્થાન) સાથે જોવા મળ્યો હતો.
સજ્જન અને સુરેશે પાંચ વાગ્યાના અરસામાં ગામના નરેશ ભાનુશાલીની કરિયાણાની દુકાનેથી વિમલ ગુટખા અને પાણીની બોટલ ખરીદેલી.
ત્યારબાદ બેઉ જણ પગપાળા બસ સ્ટેશનથી મોડકા ચોકડી નજીક મહાદેવ ચૌધરીની વાડી તરફ જતા હતાં. રસ્તામાં ગામના બે યુવકો મોટર સાયકલ લઈને નીકળ્યાં તો તેમને ઊભાં રખાવી બેઉ જણે મોડકા ચોકડી સુધી લિફ્ટ લીધેલી.
હત્યા બાદ આરોપીઓ વાડી મૂકી નાસી ગયેલાં
સુરેશના પરિવારે મહાદેવ ચૌધરીની વાડીએ જઈ તપાસ કરતાં વાડીમાલિક મહાદેવ ચૌધરીએ જણાવ્યું ઘટસ્ફોટ કર્યો હતો કે ચોથી મેના રોજ સજ્જનસિંગ તેની પત્ની સાથે મળવા આવેલો અને વાડીમાં ચોથા ભાગમાં કપાસની ખેતીનું નક્કી કરેલું. અન્ય ચાર મજૂરોને પણ તેણે વાડીએ બોલાવ્યાં હતાં.
સાંજે વાડીમાલિક ઘરે ગયેલો અને બીજા દિવસે સવારે આવ્યો ત્યારે વાડીમાં સજ્જનસિંગ, તેની પત્ની કે તેમણે બોલાવેલાં અન્ય ચાર મજૂરો કોઈ જોવા મળ્યાં નહોતાં. ચૌધરીને કશું કહ્યાં વગર જ તમામ લોકો ત્યાંથી જતાં રહેલાં.
સજ્જનસિંગ તેનો ફોન પણ વાડીએ ભૂલી ગયેલો. બનાવ અંગે ૬ઠ્ઠી મેના રોજ હરેશે મોટો ભાઈ ગૂમ થયા અંગે કોઠારા પોલીસ મથકે ગૂમનોંધ લખાવેલી.
૧૦ મેના રોજ સુરેશની વિકૃત લાશ મળેલી
પોલીસ તપાસ ચાલું હતી તે દરમિયાન ૧૦ મેના રોજ સુરેશની મહાદેવ ચૌધરીની વાડી પાસે આવેલા પુલિયા નીચે દોઢ ફૂટ પાણી ભરેલા ખાડામાં ઊંધી હાલતમાં પડેલી લાશ મળી આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ પાડી કોહવાઈ ગયેલી લાશને જામનગરમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બનાવ હત્યાનો હોવાની આશંકા સાથે સામાજિક સંગઠને બે દિવસ પૂર્વે કોઠારા નજીક ચક્કાજામ કરી ખૂનનો ગુનો નોંધી આરોપીઓ પકડવા રજૂઆત કરેલી.
માંડવીના જખણિયાની વાડીમાંથી ૪ ઝડપાયાં
સુરેશની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયાં બાદ ગત મોડી રાત્રે કોઠારા પોલીસ મથકે હરેશે મોટા ભાઈની હત્યા બદલ સજ્જનસિંગ, તેની પત્ની આશા તેમજ તેની વાડીએ મજૂરી કામે આવેલા હરિયાણાના ફરીદાબાદના ચાર મજૂરો સહિત ૬ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. નાસી છૂટેલો સજ્જનસિંગ અને અન્ય ત્રણ જણાં માંડવીના જખણિયાની વાડીમાં મજૂરી માટે રોકાયાં હોવાનું જાણવા મળતાં એલસીબીએ ચાર આરોપીને ત્યાંથી ઝડપી પાડ્યાં છે, બે આરોપી કિશોર વયના છે.
આ રીતે ઝઘડો થયાં બાદ હત્યા કરી નાખેલી
કોઠારાના પીએસઆઈ જે.જે. રાણાએ જણાવ્યું કે ચોથી મેના રોજ સુરેશનો સજ્જનસિંગ તથા તેના મજૂરો સાથે ઝઘડો થયેલો. સુરેશે તેમને ભૂંડી ગાળો ભાંડેલી અને ગામમાંથી બીજા માણસો બોલાવી લાવીને તેમને મારી નાખવાની ધમકી આપેલી. જેથી તેમણે ઉશ્કેરાઈને સુરેશને મારવા લેતાં સુરેશ નાસવા માંડ્યો હતો.
આરોપીઓએ તેનો પીછો કર્યો હતો તે સમયે સુરેશ પાણી ભરેલા ખાડામાં પડી જતાં તેના પર પગ રાખી દઈને ઊભો જ થવા ના દઈ પાણીમાં ડૂબાડી દીધો હતો. સુરેશ મૃત્યુ પામ્યાં બાદ તેની લાશ પર પથ્થર મૂકીને આરોપીઓ નાસી ગયાં હતાં.
સુરેશના મૃતદેહ પાસે એક કમરપટ્ટો પડ્યો હતો. પોલીસનો શ્વાન કમરપટ્ટાની સ્મેલ પરથી સૂંઘતો સૂંઘતો છેક મહાદેવ ચૌધરીની વાડીમાં આવેલી પતરાંની ઓરડીએ પહોંચ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે મૃતક સુરેશ અને સજ્જનસિંગ બેઉ મિત્રો હતાં. સજ્જનસિંગ પાંચ વર્ષ અગાઉ પણ કોઠારાની વાડીમાં કામ કરતો હતો. બનાવના દિવસે ખાણી-પીણી કરવા સુરેશ વાડીએ ગયેલો તે સમયે ઝઘડો થયો હતો.
Share it on
|