click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Vishesh -> What was the reaction of Manju after getting Capital punishment Know here
Thursday, 15-Mar-2018 - Bhuj 43870 views
જાણો, ફાંસીની સજા સાંભળ્યા બાદ મંજુનો કેવો હતો પ્રતિભાવ, હવે શું થશે? 

કચ્છખબરડૉટકોમ, ભુજ(ઉમેશ પરમાર દ્વારા) ઘરકામ કરવાની નજીવી બાબતે માતાના ઠપકાથી રોષે ભરાઈને પોતાની માતા અને બહેનની તલવારથી કરપીણ હત્યા કરનારી 20 વર્ષની મંજુને જ્યારે કૉર્ટે ફાંસીની સજા સંભળાવી ત્યારે તેની આંખમાંથી ટપ..ટપ...કરતાં આંસુ સરી પડ્યાં હતા. સરકારી વકીલ કુમારી હિતેષી ગઢવીએ કચ્છખબર સાથે વાત કરતાં જણાવ્યું કે, આજે સવારે મંજુને કૉર્ટમાં લવાઈ તેનાં થોડાંક કલાક બાદ કૉર્ટે તેને ડબલ મર્ડર કેસમાં દોષી ઠેરવી હતી. આ અંગે વકીલે જ્યારે તેને પૂછ્યું કે ‘’મંજુ, તને તારી મા અને બહેનની હત્યા બદલ અપરાધી ઠેરવાઈ છે તો તારે કશું કહેવું છે?’ ત્યારે તેણે ''મારે કશું નથી કહેવું'' તેવો સ્પષ્ટ જવાબ આપ્યો હતો. વારેવારે નીચું જોઈ જતી તેની આંખો ઘણું બધુ સૂચવી જતી હતી. કૉર્ટમાં મંજુના પિતા કસ્તુરભાઈ પણ હાજર હતા. મંજુને અપરાધી ઠેરવ્યાં બાદ જ્યારે એડિશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે તેને ફાંસીની સજા સંભળાવી ત્યારે તે રડી પડી હતી. મંજુની સાથે રહેલાં તેના પિતા પણ રડવા માંડ્યા હતા. બેઘડી માટે કૉર્ટરૂમનો માહોલ પણ 'ભારેખમ' થઈ ગયો હતો. જો કે, થોડીકવાર બાદ મંજુએ સ્વસ્થતા ધારણ કરી લીધી હતી. હિતેષીબેને જણાવ્યું કે, દેહાંતદંડની સજાની ગંભીરતા જાણતી મંજુનો સજા અંગેનો પ્રતિભાવ માનવ સહજ હતો. તેના વાણી-વર્તનમાં કોઈ અનપેક્ષિત બાબત જણાઈ નહોતી.

મંજુ ગળપાદર જેલમાં મોકલાઈ હવે એક-બે દિવસમાં રાજકોટ જેલ ખસેડાશે

સાંજે મહિલા પોલીસના જાપ્તા સાથે મંજુને ગળપાદર જેલમાં લવાઈ હતી. આ જેલમાં તે છેલ્લાં આઠ-નવ માસથી કેદ છે. પોતાની કોટડીમાં તે શૂન્યમનસ્ક થઈ બેસી ગઈ હતી. જેલ અધિક્ષક મનુભા જાડેજાએ જણાવ્યું કે, મંજુનું વાણી-વર્તન નોર્મલ છે. તે અહીં છેલ્લાં ઘણાં માસથી રહે છે. સ્વભાવે તે ખૂબ શાંત છે. અત્યારસુધી તે અંડર ટ્રાયલ કેદી હતી. હવે તેને સજા થઈ ગઈ છે ત્યારે એક-બે દિવસમાં જ તેને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવશે. 

સજા સામે ત્રણ માસમાં મંજુ હાઈકૉર્ટમાં અપીલ કરી શકશે

સેશન્સ કૉર્ટના ચુકાદા સામે મંજુ ત્રણ માસમાં ગમે ત્યારે ગુજરાત હાઈકૉર્ટમાં અપીલ દાખલ કરી શકે છે તેમ સરકારી વકીલ હિતેષી ગઢવીએ જણાવ્યું છે. બીજી તરફ, જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કચ્છખબરને જણાવ્યું કે, સેશન્સ કૉર્ટને દેહાંતદંડની સજા આપવાની સંપુર્ણ સત્તા છે. પરંતુ, આ ચુકાદા પર ગુજરાત હાઈકૉર્ટ પુષ્ટિ આપશે. સેશન્સ કૉર્ટનો ચુકાદો હવે રેફરન્સ માટે હાઈકૉર્ટમાં જશે. જો મંજુ હાઈકૉર્ટમાં અપીલ કરે અને હાઈકૉર્ટ પણ સેશન્સનો ચુકાદો બહાલ રાખે તો તેની પાસે સુપ્રીમ કૉર્ટમાં અપીલના દ્વાર ખુલ્લાં રહે છે. સુપ્રીમ પણ ફાંસીની સજા કાયમ રાખે તો છેલ્લી આશા રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીની રહે છે.

દેશમાં પહેલીવાર એકસાથે 4 જણને ફાંસીની સજા ભુજ સેશન્સ કૉર્ટે આપેલી

ગાંધીધામ કૉર્ટના ઈતિહાસમાં આજે પહેલીવાર કોઈ કેસમાં આરોપીને ફાંસીની સજા થઈ છે. જો કે, કચ્છમાં અગાઉ 1987 અને 2004માં બે અલગ-અલગ કેસમાં ફાંસીની સજા થઈ ચૂકેલી છે. મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 1999માં લખપતના સુરો ગાંડારો ડુંગર પરથી પોલીસે 24 કિલોગ્રામ આરડીએક્સ, ડિટોનેટર, રીમોટ કંટ્રોલ સ્વિચ, 60થી 65 જેટલી પિસ્ટલ, 20 જેટલી રિવોલ્વર, ઢગલાબંધ જીવંત કારતૂસો સહિતના મોતના સામાન સાથે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ચાર એજન્ટો ઝડપાયાં હતા. આ કેસમાં આરોપીઓ વિરૂધ્ધ રાજદ્રોહ, ફોરેનર્સ એક્ટ, પાસપોર્ટ એક્ટ, આર્મ્સ એક્ટ, કસ્ટમ એક્ટ સહિતના સંખ્યાબંધ એક્ટ તળે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. 2004માં તત્કાલિન સેશન્સ જજ વી.એમ.ચૌધરીએ ચારેય આઈએસઆઈ એજન્ટોને ફાંસીની સજા સંભળાવી હતી. જો કે, પાછળથી આરોપીઓએ હાઈકૉર્ટમાં અપીલ કરતાં હાઈકૉર્ટે ચારેયની ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરી હતી. જેમાંથી કેટલાંક આરોપીઓ હજુ પણ કારાવાસ ભોગવે છે. આ પૂર્વે 1987માં પાંચ મર્ડર કરનારાં એક આરોપીને ભુજ સેશન્સ કૉર્ટે ફાંસીની સજા ફટકારી હતી. જો કે, પાછળથી હાઈકૉર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

દેશમાં અનેક કેદી ફાંસીની સજાની રાહ જૂએ છે

મંજુની ફાંસીની સજા તમામ સ્તરે કાયમ રહે તો પણ આ સજાનો અમલ ક્યારે થશે તે અંગે કશું ભવિષ્ય ભાખવું અનિશ્ચિત છે. કારણ કે, દેશભરની વિવિધ જેલમાં અનેક કેસના સેંકડો અપરાધીઓ ફાંસીની સજાનો અમલ થાય તેની રાહ જોતાં કારાવાસ ભોગવી રહ્યાં છે.તો, ફાંસીની સજા બંધ કરવા માટે પણ વિવિધ સંસ્થાઓ ચળવળ ચલાવી રહી છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન