click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2024, Thursday
Home -> Vishesh -> There is some hidden story which indicates affidavit of said accused
Monday, 16-Apr-2018 - Bhuj 60776 views
ખંડણીકાંડની આરોપીનો બાંહેધરીપત્ર ‘ધરબાયેલાં રહસ્યો’નો નિર્દેશ કરે છે

કચ્છખબરડૉટકોમ, ભુજઃ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના ભત્રીજા સુનીલ ભાનુશાલીએ મનીષા ગોસ્વામી નામની મહિલા વિરૂધ્ધ અશ્લિલ ક્લિપ મારફતે બ્લેકમેઈલ કરાઈ 10 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની કરાયેલી ફરિયાદ બાદ આરોપી મહિલાએ જયંતી ભાનુશાલી સામે જ નિશાન તાકતાં આ મામલો હવે ધીમેધીમે તુલ પકડી રહ્યો છે. દરમિયાન, ખંડણીની પોલીસ ફરિયાદ પહેલાં અમદાવાદમાં આરોપી મહિલાએ ત્રીજી એપ્રિલનાં રોજ જયંતી ભાનુશાલીને નોટરી સમક્ષ લખી આપેલો બાંહેધરી પત્ર બહાર આવતાં સમગ્ર પ્રકરણ પહેલી નજરે દેખાય તેવું સીધુંસાદું નહીં હોવાનું પરંતુ અંદર અનેક રહસ્યો ધરબાયેલાં હોવાનું સમજાઈ રહ્યું છે. મહિલાએ લખી આપેલાં બાંહેધરીપત્રમાંની વિગતો જ આપોઆપ ઘણાં રહસ્યો તરફ ઈશારો કરે છે.

જયંતીભાઈ અને મહિલા વચ્ચે દસ વર્ષથી ‘સંબંધ’ હતા

બાંહેધરીપત્રમાં મહિલાએ જણાવ્યું છે કે ‘’ મારે અને જયંતીભાઈ ભાનુશાલી સાથે આજથી દસેક વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી અને અમારા બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. આ સંબંધ આશરે છ વર્ષ સુધી ચાલ્યા હતા અને ત્યારબાદ અમારે મનમેળ ના હોવાના કારણે છેલ્લાં ચાર વર્ષથી અમારી વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધો રહ્યાં નથી. અમારી વચ્ચેના સંબંધો મારી મરજીથી અને સ્વેચ્છાએ રાજીખુશીથી હતા અને મને કોઈપણ પ્રકારનું દબાણ નહોતું.’’ જો કે, કેવા સંબંધ હતા તે અંગે કશો ફોડ પડાયો નથી.

જયંતીભાઈએ જ આંગડીયા મારફતે નાણાં મોકલેલાં

બાંહેધરીપત્રમાં મહિલાએ જણાવ્યું છે કે ‘’મારે રૂપિયાની જરૂર હોઈ મેં જયંતીભાઈ પાસેથી રૂપિયા મંગાવતા તેઓએ મને તારીખ 21-03-2018નાં રોજ આંગડીયા મારફતે 25 લાખ રૂપિયા મોકલાવ્યા હતા જે મને મળ્યા હતા. ત્યારબાદ મારે વધુ રૂપિયાની જરૂર પડતા ફરીથી જયંતીભાઈ પાસે પાંચ લાખ રૂપિયા મગાવતા તેમણે આંગડીયા મારફતે મોકલ્યાં હતા.’’ બાંહેધરી પત્રમાં મહિલાએ તેની અને જયંતીભાઈ વચ્ચે રાજીખુશીથી ઘરમેળે સમાધાન કરવાનું નક્કી થયું હોવાનું અને સમાધાન પેટે જયંતીભાઈએ તેને બેન્ક ઑફ બરોડા, નરોડા બ્રાન્ચનો 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો હોવાનું બાંહેધરીપત્રમાં જણાવ્યું છે. મહિલાએ જયંતીભાઈ કે તેમના પરિવારને ભવિષ્યમાં ક્યારેય કોઈ બાબતે હેરાન નહીં કરવા કે ધમકી અથવા બ્લેકમેઈલ નહીં કરવી ખાત્રી આપી છે. એટલું જ નહીં તેણે જયંતીભાઈ કે તેમના ભત્રીજાની કોઈ ક્લીપ ના બનાવી હોવાનું કે તેવી કોઈ ક્લીપ ના હોવાનું જણાવી જો આવી કોઈ ક્લીપ હોય તો તેનો દુરુપયોગ નહીં કરવાની અને તેનો નાશ કરવાની ખાત્રી આપી છે. સાથોસાથ જયંતીભાઈ કે તેમના પરિવારના સભ્યો દ્વારા જે કોઈપણ અરજી કરવામાં આવી હોય તે તેઓ પરત ખેંચશે અને ભવિષ્યમાં ઉપયોગ નહીં કરે તેમ પણ જણાવાયું છે.

આગામી દિવસોમાં મોટાપાયે કડાકા-ભડાકાના એંધાણ

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં મોટાપાયે નવા રહસ્યો ઉજાગર થવા સાથે લોકોની સજ્જનતાના નકાબ ચીરાઈ જાય તેવા કડાકા-ભડાકા થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. હાલ જેની સામે ફરિયાદ થઈ છે તે મહિલા અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે. બંને પક્ષ હવે એકમેકને ભરી પીવા સજ્જ થયો છે અને આગામી દિવસોમાં વધુ પોલીસ ફરિયાદો દાખલ થાય તેવી સંભાવના હોવાનું સૂત્રો ઉમેરે છે. આ મામલામાં પોલીસ તંત્ર પણ ભેખડે ભેરવાય તેવી શક્યતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Share it on
   

Recent News  
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન
 
૯૮૭ ગ્રામ ગાંજા સાથે નારાણપરનો યુવક ઝડપાયોઃ લુણીની સપ્લાયર મહિલાની પણ અટક