click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Vishesh -> Sunday Special Article
Saturday, 31-Mar-2018 - Bhuj 42971 views
મૈં ભી IPS બનના ચાહતા થા..લેકીન IAS બન ગયાં- પ્રદીપ નિરંકારનાથ શર્મા

(લેખકઃ ઉમેશ પરમાર)

પ્રદીપ નિરંકારનાથ શર્મા. ભૂકંપ પછીના કચ્છના નમુનેદાર પુનઃનિર્માણના દાવા કરતાં લોકોમાંનો એક એવો ચહેરો કે જેમના કાર્યકાળને આજે પણ કચ્છની જનતા વિવિધ રીતે યાદ રાખી રહી છે. કોઈકની નજરે તે IPS મોટાભાઈ કુલદીપ શર્માના જાંબાઝ નાના ભાઈ છે. તો કોઈકની નજરે તે ત્વરિત નિર્ણયશક્તિ લેનારાં કલેક્ટર છે. IAS ઑફિસર તરીકેની વહીવટ કુનેહ અને IPS ઑફિસર જેવી કઠોર નિર્ણયશક્તિ સાથે કચ્છના પુનઃ નિર્માણ અને ઔદ્યોગિકરણની પોલીસીનો સચોટ-સમયબધ્ધ રીતે અમલ કરનારાં આ જાંબાઝ અધિકારીનો મોટાભાગનો સમય છેલ્લાં નવેક વર્ષથી વિવિધ ફોજદારી કેસો તળે જેલમાં કાચા કામના કેદી તરીકે વ્યતીત થયો છે. હાલ પણ તે ભાવનગર જેલમાં જ્યુડિસીયલ કેસમાં છે.

કચ્છના ઝડપી અને નમુનેદાર પુનઃવસન પાછળ શર્માનો પણ મહત્વનો રોલ

વેકરીયાનો રણ ઉત્સવ અને ત્યારબાદ ધોરડો ટેન્ટસીટીમાં ઉજવાતો રણોત્સવ, ભુજની ચારેય રીલોકેશન સાઈટ્સ, ઑલ્ફ્રેડ હાઈસ્કુલ કે નાનીબા પાઠશાળા જેવી ઐતિહાસિક ઈમારતોનું નવીનીકરણ, ભુજના વિકાસની છડી પોકારતાં રીંગરોડ અને રીલોકેશન સાઈટ્સ, હોસ્પિટલ રોડના ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન, ભુજના ડુંગર પર નિર્માણ પામેલો હિલ ગાર્ડન (પાછળથી આવો જ ગાર્ડન તેમણે રાજકોટમાં નિર્માણ કરાવ્યો હતો), કચ્છભરની વિવિધ સરકારી કચેરીના નવનિર્માણ, મુંદરા-અંજાર-ગાંધીધામ-ભચાઉના પટ્ટામાં થયેલું ઔદ્યોગિકરણ, ભુજના વેપારીઓને ભુજીયાની તળેટીમાં રીલોકેટ કરવા માટે બનાવેલી નવી જથ્થાબંધ બજાર..આવા તો કંઈ કેટલાય પ્રોજેક્ટ્સના અમલીકરણ પાછળનું ભેજું હતું પ્રદીપ શર્મા. જરૂર પડ્યે સરકારી નિયમોમાં બાંધછોડ કરી, કામચલાઉ વિરોધ-વિવાદોને રીતસર અવગણીને શર્માએ કચ્છના પુનઃનિર્માણના આવા અનેક પ્રોજેક્ટ અમલી બનાવ્યાં હતા. જે આજે ધમધમે છે. કચ્છનું નમુનેદાર પુનઃનિર્માણ ટીમ વર્કને આભારી હતું. પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સનદી અધિકારી પ્રદીપ શર્માની પણ એટલી જ હિસ્સેદારી હતી.

પ્રદીપ શર્માઃ આરોપ અને પ્રત્યારોપ

શર્માએ લીધેલાં કેટલાંક નિર્ણયમાં ખરેખર ખોટું થયું હતું તે તેમની સામે પાછળથી સરકારે કરેલી ફોજદારી ફરિયાદો સૂચવે છે. જો કે, શર્માએ ખરેખર ખોટું કર્યું હતું કે નહીં તે અંગે કૉર્ટના કોઈ ચુકાદા આવ્યા નથી. અલબત્ત, ફરિયાદો પાછળના બીજા કારણોની પણ અંદરખાને જોરશોરથી ચર્ચા થાય છે. ‘ધ વાયર’ નામની વેબસાઈટ શર્માના પરિવારજનોને ટાંકીને જણાવે છે કે, ‘’નરેન્દ્ર મોદી સામે પડવાની તે સજા ભોગવી રહ્યાં છે. છેલ્લાં 8 વર્ષમાં તેમની વિરૂધ્ધ 10 ફોજદારી ફરિયાદો થઈ છે. આ બધાનું મૂળ છે ભુજની એક આર્કિટેક્ટ કન્યા.’’ આ એ મહિલા છે કે જે હિલ ગાર્ડન પ્રોજેક્ટથી શર્માના સંપર્કમાં આવી હતી અને પાછળથી તેની પહોંચ ‘સાહેબ’ સુધી પહોંચી ગઈ હતી. જેની જાસૂસી કરાવવા તત્કાલિન ગૃહરાજ્ય મંત્રી અમિત શાહે પોલીસ અધિકારી ગિરીશ સિંઘલને ફોન પર સૂચના આપી હતી. પાછળથી એક રાષ્ટ્રીય સ્તરની વેબપોર્ટલે શાહ-સિંઘલની વાતચીતની કેટલીક ઑડિયો ટેપ્સ જાહેર કરતાં ખળભળાટ મચાવ્યો હતો. એટલો ખળભળાટ કે બાદમાં ગુજરાત સરકારે તેની તપાસ માટે પંચ નીમવાની જાહેરાત કરી હતી પરંતુ કન્યાના પરિવારજનોની નામરજીને આગળ ધરી દઈને તપાસ પંચ વિખેરી નખાયું હતું. મુદ્દો એક જ છે કે, જો પ્રદીપ શર્માએ અંજારની વેલસ્પન કંપની કે મુંદરાની જિંદાલ કંપનીને ગેરકાયદે જમીન ફાળવી હતી (તેવો ખુદ સરકારનો જ આરોપ છે), તો એ જમીનો પરત લેવા માટે શા માટે કોઈ કાર્યવાહી કરાઈ નથી? જમીન પરત ના લેવાઈ હોય તો આ કંપનીઓ સામે અન્ય કોઈ રાહે કડક કાર્યવાહી કરાઈ છે? એવું તો શું ગંભીર હતું કે એક મહિલાની જાસૂસી માટે તમામ મશીનરી કામે લગાડાઈ હતી?

શર્માને કાયમ અંદર રાખવા ફરિયાદ નોંધાવવામાં આટલી ઉતાવળ?

‘ધ વાયર’ નામની વેબપોર્ટલ જણાવે છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શર્મા સામે કરેલાં મની લૉન્ડરીંગના કેસમાં ગત 8 માર્ચે ગુજરાત હાઈકૉર્ટે શર્માને જામીન પર મુક્ત કરવા હૂકમ કર્યો હતો. સાબરમતી જેલમાં રહેલાં શર્મા 9 માર્ચે જામીન મુક્ત થવાના હતા. પરંતુ, 9મી માર્ચે વહેલી સવારે સવા છ વાગ્યે એન્ટી કરપ્શન બ્યૂરૉએ 10 વર્ષ જૂના એક કેસની ફરિયાદ નોંધાવી શર્માની ધરપકડ કરી ભાવનગર જેલ લઈ ગઈ હતી. શર્મા 2008માં આલ્કોક એશડાઉનના એમડી હતા ત્યારે પોતે તેમને 25 લાખની લાંચ આપી હતી તેવી ખાનગી શિપીંગ કંપનીના ડિરેક્ટરે આપેલા નિવેદનના આધારે એસીબીએ શર્મા વિરૂધ્ધ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં પોતાના બચાવમાં શર્માએ જણાવ્યું હતું કે દસ વર્ષ બાદ તેમની વિરૂધ્ધ બદદાનતથી આ ફરિયાદ દાખલ કરાવાઈ છે. માત્ર એટલા માટે કે હું કાયમ જેલના સળીયા પાછળ જ રહું.

જાંબાઝ શર્માબંધુઓ એકલાં પડી ગયાં, IAS લૉબી પણ દૂર ભાગે છે

ગુજરાતના IPS અને IAS અધિકારીઓના ઈતિહાસમાં શર્માબંધુનો દાખલો કાયમ સૌની નજર સામે રહેશે. જે કુલદીપ શર્માને દાણચોરીની પ્રવૃત્તિ કડક હાથે ડામવા બદલ કચ્છની જનતાએ ચાંદીની તલવારની ભેટ આપી હતી, તેમની કડક કામગીરીના ઓવારણાં લેવાતા હતા તે કુલદીપ શર્માના હસ્તે થોડાંક માસ પૂર્વે ભુજમાં એક પુસ્તકનું વિમોચન થવાનું હતું. પરંતુ, આયોજકોએ છેલ્લી ઘડીએ કાર્યક્રમ માટે સ્થળનો ઉપયોગ કરવા દેવાનો ઈન્કાર કરતાં તે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પાછળ ઠેલી દેવાયો હતો. કુલદીપ શર્મા અને પ્રદીપ શર્માના ઓવારણાં લેનારાં કોઈક અજ્ઞાત બીકથી ‘ઓઠાં’ પાછળ સંતાઈ રહ્યાં છે. આઈએએસ કે આઈપીએસ સંગઠન મૌન છે. ‘ઉતર્યો અમલદાર કોડીનો’ બીજું શું?

પ્રદીપ શર્માએ પત્રકારને તેમની ચેમ્બરમાં ભાંડી ઈન્ક્વાયરીની ધમકી આપેલી

2002માં આ લખનાર ત્યારે એક પ્રાદેશિક ભાષાની સેટેલાઈટ ટીવી ચેનલમાં ભુજ ખાતે કોરસપોન્ડન્ટ તરીકે કાર્યરત હતો. કલેક્ટર તરીકે નવાસવા કચ્છ આવેલાં પ્રદીપ શર્મા ટીવી પર આવેલી એક સ્ટોરી જોઈ ભડક્યાં હતા. કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા ચાલતી અછત રાહતની કામગીરીમાં ખાવડા બાજુ ચોપડા પર બોગસ મજૂરો, ઢોરવાડાના દૂષણ સામે અસલી મજૂરો-તેમના બાળકો માટે નિયમ મુજબ પાણી-છાંયડાની કોઈ સુવિધા ના હોવાનો તેમજ પશુઓને સરકારી ઘાસ ના મળતું હોવાનો ઘટસ્ફોટ કરાયો હતો. અહેવાલના આધારે ગાંધીનગરથી ‘પૂછાણું’ આવતાં શર્માએ માહિતી ખાતાના તત્કાલિન અધિકારી શાંતિલાલ સોની મારફત મને તેમની ચેમ્બરમાં મળવા બોલાવ્યો હતો. જેવો ચેમ્બરપ્રવેશ કર્યો કે ‘’હે..ય..યુ રાસ્કલ! હાઉ ડેર યુ ટૂ બ્રોડકાસ્ટ સચ અ બૉગસ રીપોર્ટ? વ્હાય ડીડ નોટ યુ આસ્ક મી બીફોર પબ્લિશ ધીસ રીપોર્ટ? યૉર રીપોર્ટ ઈઝ બેઝલેસ એન્ડ આઈ વીલ મેક એન ઈન્ક્વાયરી અગેઈન્સ્ટ યૂ!’’ ગુસ્સાથી લાલચોળ શર્માએ ધાણીફૂટ અંગ્રેજીમાં ફાયરીંગ કરતાં સ્વાભાવિક રીતે જ મેં પણ તેમને તેમની જ ભાષામાં પ્રત્યુત્તર વાળ્યો હતો. જેથી શર્મા ઓર છંછેડાયા હતા અને તેમણે ચેમ્બરમાં હાજર શાંતિલાલને જણાવ્યું હતું કે, ‘’પ્લીઝ ટેક ધીસ એરોગેન્ટ પર્સન આઉટસાઈડ માય ઑફિસ. આઈ વીલ ટીચ હીમ એ લેસન.’’ તેમની વાત સાંભળીને હું તુરંત જ ચેમ્બર બહાર નીકળી ગયો હતો. જો કે, તુરંત જ શાંતિલાલે બહાર દોડતાં આવી મને થોડીકવાર ચેમ્બર બહાર બેસવા કહ્યું હતું. મનમાં વિચારવલોણું ચાલતું હતું કે આ માથાફરેલો કલેક્ટર હવે શું કરશે? પરંતુ પંદરેક મિનિટ બાદ મને ફરી ચેમ્બરમાં બોલાવ્યો ત્યારે શર્માનું રૂપ સૌમ્ય બની ગયું હતું. ‘’સૉરી જેન્ટલમેન, જે કાંઈ બન્યું તે ભૂલી જઈએ’’ તેમ કહી તેમણે અહેવાલ અંગેની વિગતો મેળવી તપાસ કરવાની ખાત્રી આપી સાથોસાથ સરકાર દ્વારા કરાઈ રહેલી કામગીરીને પણ હાઈલાઈટ કરવા વિનંતી કરી હતી. આ ઘટના બાદ શર્માએ કાયમ મારી સાથે સદભાવ અને સહકારભર્યો સંબંધ રાખ્યો હતો. એટલે કે સુધી કે, ભુજીયાની તળેટીમાં નવી જથ્થાબંધ બજાર બનાવવાના નિર્ણયમાં થયેલાં નિયમભંગ અંગે મેં જ્યારે તેમનો આગોતરો સમય માંગી સુસજ્જ થઈ ઈન્ટરવ્યૂ આપવા એમ કહ્યું હતું કે, ‘’સર, આઈ વીલ હેવ એ સેટ ઑફ ક્વેશ્ચનેઈર એન્ડ ઑલ ક્વેશ્ચન્સ આર અગેઈન્સ્ટ યૂ! સો બી પ્રીપેર્ડ વેલ ઈન એડવાન્સ્ડ’’ ત્યારે તેમણે હસતાં ચહેરે જણાવ્યું હતું કે ‘’કમ ઓન, આઈ એમ રેડી ટૂ ફેસ યૂ એટ એનીટાઈમ.’’ અને બીજા દિવસે તેમણે મને 45 મિનિટ લાંબો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. ભુજમાં વાણિયાવાડ-એસટી સ્ટેન્ડ તરફ જતા બજારમાં ગેરકાયદે ઉભી થયેલી દુકાનોના ડીમોલીશન વખતે એક જણો દલીલબાજી પર ઉતરી આવ્યો ત્યારે ભરબજારે તેને સટ્ટાક કરીને તમાચો જડી દેનારાં શર્માની કરડાકી-કડકાઈનો પરચો પછી તો લોકોને એવો થઈ ગયો હતો કે, બ્લેક ગોગલ્સ ધારણ કરેલાં ચહેરા સાથે તેમની સિંઘમ્ સ્ટાઈલથી એન્ટ્રી થાય ત્યારે ભલભલા લોકો ‘’ભલે સાહેબ, ભલે! તમે કહો તેમ’’ કહી પોતાના વિરોધને વાળી લેતાં. તેમની કરડાકી અંગે આ લખનારે તેમને એકવાર પૂછ્યું તો ત્યારે તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે, ‘’મૈં ભી આઈપીએસ બનના ચાહતા થા..મેરી ફેમિલી મેં જ્યાદાતર પુલીસવાલે હૈ...લેકીન ક્યા કરે..યાર આઈએએસ અફસર બન ગયાં’’ શર્માનું છેલ્લું વાક્ય તેમની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે કેટલું બધુ સૂચક છે..!!

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન