click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Vishesh -> Kutchkhabar.com completes one year 26L visitors read news
Friday, 22-Dec-2017 - Bhuj 30691 views
કચ્છખબરની આજે પ્રથમ વર્ષગાંઠ, 26 લાખ વિઝીટરે લીધી મુલાકાત
પ્રિય વાચકમિત્રો, કચ્છખબરડૉટકોમ આજે એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ્યું છે. ખૂબ ખુશી છે. એક વર્ષની સફર ખૂબ સફળ, પ્રોત્સાહક રહી. ખાસ તો આપ સહુનો ઉષ્માસભર પ્રતિસાદ મળતો રહ્યો તેનો સવિશેષ આનંદ છે. શરૂઆતના સમયમાં માંડ ત્રણસો-ચારસો લોકો ન્યૂઝ વાંચતા હતા. આજે એ આંકડો હજારોમાં પહોંચ્યો છે. માત્ર બાર જ મહિનાની સફરમાં કચ્છખબરના ટોટલ વિઝીટરનો આંકડો 26 લાખને પાર થઈ ગયો છે. એટલે કે એક મહિને સરેરાશ બે લાખથી વધુ લોકોએ કચ્છખબરની મુલાકાત લીધી છે.

ટૂંકા ગાળામાં મેળવેલી આ સિધ્ધિ નાની-સુની નથી જ.

ગુજરાતના અગ્રણી અખબારથી લઈ સામયિક, સેટેલાઈટ ટીવી ન્યૂઝ ચેનલથી લઈ લોકલ કેબલ ટીવી ન્યૂઝમાં અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારે કામગીરી કરવાના 22 વર્ષના અનુભવના ભાથાના અંતે દોઢેક વર્ષ પૂર્વે કચ્છને કેન્દ્રમાં રાખી ન્યૂઝ વેબસાઈટ શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે માત્ર એક જ બાબત કેન્દ્રસ્થ હતી કે આ માધ્યમ એકમાત્ર એવું છે કે જેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા એ બંનેનો સુભગ સમન્વય તો છે જ પરંતુ બંને માધ્યમોની મૂળભૂત મર્યાદાઓને પાર કરી વિશ્વભરમાં જનસામાન્ય સુધી આ માધ્યમ સરળતાથી પહોંચે છે. એક વર્ષના ગાળાના અંતે 26 લાખ સુધી પહોંચેલા વિઝીટરની સંખ્યા જ તેનો બોલતો પૂરાવો છે.

એક વર્ષની સફર ખૂબ રોમાંચક રહી. કારણ કે, વેબપોર્ટલ ‘ઈન્સ્ટન્ટ મિડીયા’ ઉપરાંત ‘ઈન્ટરએક્ટિવ મિડીયા’ છે. ઘણીવાર લખાણમાં માહિતીદોષ હોય કે કોઈ મહત્વનું સૂચન કરવા જેવું હોય વાચકોએ તુરંત ધ્યાન દોર્યું છે. ઘણીવાર વાચકમિત્રો પણ ઉપયોગી માહિતી આપતાં રહે છે. કયા સમાચાર વાચકને ગમ્યાં છે કે કયા સમાચાર વાયરલ થઈ રહ્યાં છે તેનો “ગુગલ એનાલિટીક્સ” સતત લાઈવ રીપોર્ટ આપતું રહે છે.

કચ્છખબરના પ્લેટફોર્મ પર વાચકોને સદાય મહત્વના સ્થાનિક સમાચાર કે માહિતી શક્ય તેટલી ઝડપે આપવાનો પ્રયાસ કર્યો છે. જિલ્લામાં બનતી કોઈપણ મહત્વની ઘટના પર અમારું પહેલું ફોકસ હોય છે. ઈન્સ્ટન્ટ મિડીયામાં ઘણીવાર સમાચારની વિશ્વસનીયતા જોખમાતી હોય છે. પરંતુ, સમાચારની ગુણવત્તા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે તેનો સવિશેષ આનંદ છે. એક વર્ષમાં વાચકોએ મુકેલો વિશ્વાસ જ અમારી સૌથી મોટી મૂડી બની રહી છે. કચ્છખબરની તટસ્થતા જાળવવા કાયમ પ્રયાસ કર્યો છે. એક જ મુદ્રાલેખ છે. નો ફીયર એન્ડ નો ફેવર.

ન્યૂઝ વેબસાઈટમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાનો સમન્વય થતો હોવા છતાં તેનું એક આગવું પોત છે. છેલ્લાં થોડાંક સમયથી ન્યૂઝ પોર્ટલના નામે વ્યૂઝ પોર્ટલની બોલબાલા વધી છે. બ્લોગની જેમ કેટલાંક લોકો સવાર-સાંજ પોતાના વિચારો-અભિપ્રાયોને સમાચારસ્વરૂપે વાચકોના માથે ફટકારી અભિવ્યક્તિનો આનંદ માણતાં રહે છે. તો, અમુક પંડિતોએ વેબપોર્ટલના સમાચારને માત્ર એક મિનિટમાં વંચાઈ જાય તેટલી શબ્દમર્યાદામાં બાંધવાનો પ્રયાસ કર્યો છે. પણ, સાદું અને સરળ સત્ય એટલું જ છે કે, વાચકોને ભાષાના બીનજરૂરી શણગાર-આડંબર વગર મૂળભૂત તથ્ય પીરસાય તેમાં રસ છે. વિષય રસપ્રદ હોય તો લાંબુ અને વર્ણનાત્મક લખાણ લોકો એકબેઠકે રસપૂર્વક વાંચી લે છે તે સ્વાનુભવ છે. પ્રત્યેક વ્યક્તિની જેમ પત્રકાર પણ ગ્રહો અને પૂર્વગ્રહો, પોતાની વ્યક્તિગત સાચી-ખોટી માન્યતાઓથી પર નથી. પર હોઈ શકે પણ નહીં. પરંતુ, સમાચાર ગ્રહ-પૂર્વગ્રહની ભેળસેળ વગર મૂળભૂતરૂપે રજૂ થાય તે વધુ ઈચ્છિત છે. પત્રકારત્વનો પાયાનો સિધ્ધાંત પણ આ જ છે.

અમે સ્પષ્ટ માનીએ છે કે, વેબ જર્નાલિઝમ એ પ્રેસનોટ જર્નાલિઝમ નથી. વોટસએપ પર ફરતાં ચાર લીટીના શબ્દોને કે માહિતી ખાતા-પોલીસના દરોડાની પ્રેસનોટને બેઠેબેઠ્ઠી “કોપી-પેસ્ટ” કરી લોકોને સમાચાર આપ્યાનો સંતોષ માનવો કચ્છખબરની કૂળનીતિ નથી. સમાચારના નામે વાચકોના માથે ગમે તેવી માહિતી ફટકારતાં રહેવું તે કચ્છખબરનો સ્વભાવ નથી. હદ તો ત્યાં થાય છે કે, અમુક લોકો કચ્છખબરના જ સમાચારની કોપી કરી તેમાંથી બે-ચાર શબ્દો બદલી કે વાક્યરચનાને આગળ-પાછળ કરી પોતાના સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પર પેસ્ટ કરી દઈને પત્રકારત્વ કર્યું હોવાના મિથ્યાભિમાનમાં રાચતાં રહે છે. ઘણીવાર તો એવો અનુભવ થયેલો છે કે, કચ્છખબરની લિન્ક શેર થાય તે પહેલાં આવી ‘પાયરેટેડ કોપી’ રીલીઝ થઈ ગઈ હોય!!  સદભાગ્યે સોશિયલ મિડિયાના વાચકો ખૂબ સમજદાર છે. ખેર, અમે તો એટલું જ માનીએ છીએ કે, તમે હરીફના કામની નકલ કરી શકશો પરંતુ તેના ઝનુનની નહીં. 

કૉમ્યુનિકેશનના વ્યવસાયમાં ભાષા જ સૌથી મોટું સાધન છે. 22 વર્ષના પત્રકારત્વ દરમિયાન ભાષા મુદ્દે ક્યારેય બાંધછોડ નથી કરી. સાચા શબ્દો-જોડણી, સચોટ વાક્યરચના અને સંક્ષિપ્તમાં સારરૂપ સંદેશ આપવો તે કૌશલ્ય અને કળા છે. સાચી ભાષાનો પ્રચાર-પ્રસાર થાય તેમાં માધ્યમોની ભૂમિકા પાયારૂપ છે. પરંતુ, ‘મેગા’ અને ‘મેઘા’, ‘ટેક્સ્ટ’ અને ‘ટેક્સ’, વગેરે જેવા અંગ્રેજી શબ્દો હોય કે ‘ગર’ અને ‘ઘર’, ‘સાન’ અને ‘શાન’, ‘ઝાડી’ અને ‘જાડી’ વગેરે જેવાં શબ્દો વચ્ચે મોટો અર્થભેદ છે તેવી સામાન્ય સૂઝ વગરનું અનર્થકારી શબ્દપ્રયોજન ટાઈપીંગ દોષને બાદ કરતાં કચ્છખબરમાં તમને હરગીઝ જોવા નહીં મળે.

એક વર્ષના સમયગાળામાં ગ્રામ પંચાયતોથી લઈ વિધાનસભા ચૂંટણી, કચ્છના અબડાસા વિસ્તારમાં થયેલી અતિવૃષ્ટિથી લઈ કચ્છ પર તોળાતાં વાવાઝોડાંની આફત, સરહદી સલામતીથી લઈ સંવેદનાના તાર ઝણઝણાવી નાખતા વૈવિધ્યપૂર્ણ બનાવોનું વિસ્તૃત કવરેજ આપ્યું છે. વાચકોએ ભરપુર પ્રેમ આપ્યો છે અને આપતાં રહેશે તેની અમને ખાત્રી છે.

ખાસ તો આ તબક્કે એડવર્ટાઈઝર્સનો સવિશેષ આભાર માનીએ છીએ. કારણ કે, કોઈપણ માધ્યમ હોય તેના માટે એડવર્ટાઈઝ એ ઓક્સિજન સમાન છે. એક વર્ષની સફરમાં અનેક મિત્રો એવાં મળ્યાં છે કે જે વગર કહ્યે જે-તે પ્રસંગને અનુરૂપ એડવર્ટાઈઝ મોકલતાં રહ્યાં છે.

આપના પ્રેમ, સાથ-સહકારની અપેક્ષાસહ..

-ઉમેશ પરમાર

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન