click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Vishesh -> Bombay HC Clears sale of six court arrested ships of Varun Shipping
Friday, 30-Mar-2018 - Gandhidham 23014 views
મોટી હાશ! કંડલાના સમુદ્રમાં પડેલાં ‘ટાઈમ બોમ્બ’ જેવાં 5 જહાજનું તાકીદે વેચાણ થશે

કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલાની ખાડીમાં છેલ્લાં દોઢેક વર્ષથી ‘કૉર્ટ અરેસ્ટેડ’ હાલતમાં સમુદ્રમાં સ્થગિત કરી દેવાયેલાં 'જીવતાં ટાઈમ બોમ્બ' સમાન પાંચ LPG ટેન્કર શીપનું 20મી એપ્રીલ સુધીમાં  તત્કાળ વેચાણ કરી દઈ મામલાનો નિવેડો લાવી દેવા બોમ્બે હાઈકૉર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી દિનદયાળ પોર્ટ પ્રશાસનને મોટો હાશકારો થયો છે. આ LPG ટેન્કર વેસલ્સ એકસમયે દેશની અગ્રણી ગણાતી ‘વરૂણ રીસોર્સ લિમિટેડ કંપની’ની માલિકીના છે. SBI સહિતની વિવિધ બેન્ક પાસેથી 800 કરોડ રૂપિયાની લૉન લીધા બાદ વરૂણ લિમિટેડ દ્વારા તેનું ચૂકવણું ના થતાં બેન્કોએ કુલ છ જહાજ કૉર્ટ અરેસ્ટ કરાવ્યાં હતા. જેમાંનાં પાંચ જહાજ કંડલા નજીક તુણા આઉટર બૉયામાં સમુદ્રમાં સ્થગિત હાલતમાં પડ્યાં છે.

98 ખલાસીઓની દુર્દશાનો ચિતાર સાંભળી કૉર્ટે હૂકમ કર્યો

વરૂણ લિમિટેડના છ કૉર્ટ અરેસ્ટેડ જહાજમાં તૈનાત 98 ખલાસીઓ છેલ્લાં ઘણાં માસથી યાતનામય જીવન વીતાવી રહ્યાં છે. જહાજનું મેનેજમેન્ટ કરતી દર્યા શિપીંગ પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢીએ ખલાસીઓ અને જહાજના મેનેજમેન્ટ માટે 23 કરોડ રૂપિયા ખર્ચ્યાં બાદ હાથ અધ્ધર કરી દેતાં કૉર્ટે છેવટે તમામ જહાજને વેચી મારવા હૂકમ કર્યો છે. બાકી લ્હેણાંની વસૂલાત માટે SBI બેન્કના નેતૃત્વમાં અન્ય બેન્કોના રચાયેલાં કોન્સોર્ટીયમ દ્વારા નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં વરૂણ શિપીંગને નાદાર જાહેર કરી ફડચામાં લઈ જવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટ્રિબ્યુનલે અગાઉ આ ‘કૉર્ટ અરેસ્ટેડ’ જહાજો તેમજ તેમાં સવાર ક્રુ મેમ્બર્સના મેઈન્ટેન્સ-મેનેજમેન્ટ માટે દર્યા શીપીંગને જવાબદારી સોંપી હતી. જો કે, 23 કરોડ ખર્ચ્યાં બાદ એક ફદિયું’ય ના મળતાં દર્યા શિપીંગે હાથ અધ્ધર કરી દીધા હતા.

ખલાસીઓની હાલત દયનીય, કૉર્ટે તુરંત કર્યો હૂકમ

કેસની સુનાવણી અંતર્ગત દર્યા કંપનીએ બોમ્બે હાઈકૉર્ટને જણાવ્યું હતું કે જહાજમાં તૈનાત ક્રુ મેમ્બર્સના પગાર અનેક મહિનાઓથી ચઢી ગયાં છે. તેમને અનાજ-રાશન મળતાં બંધ થઈ ગયાં છે. એટલે સુધી કે સમુદ્રમાં સ્થગિત કરાયેલાં ખલાસીઓને પીવા માટે શુધ્ધ પાણી સુધ્ધાં મળતું નથી. આરોગ્યની સુવિધાના અભાવના કારણે અનેક ખલાસી ચેપી રોગનો શિકાર બન્યાં છે. એલપીજી ટેન્કર શીપ હોઈ આ જહાજો જીવતાં ટાઈમબોમ્બ સમાન છે. કારણ કે જરાસરખો અકસ્માત થાય તો તમામ ક્રુ મેમ્બર્સ અને સમુદ્રની જીવસૃષ્ટિ પર ગંભીર ખતરો સર્જાઈ શકે તેમ છે. દરયા કંપનીએ પોર્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન શ્રીનિવાસને આપેલો અહેવાલ રજૂ કરી કૉર્ટને જણાવ્યું હતું કે કંડલામાં પડેલાં આ જહાજો લાઈટના અભાવે અન્ય જહાજો માટે પણ ખતરારૂપ બની ગયાં છે. આ બાબતને ગંભીરતાથી લઈ કૉર્ટે મુંબઈના શેરીફને તમામ છ જહાજોનું તાકીદના ધોરણે વેચાણ કરવા હૂકમ કર્યો છે. કૉર્ટે સ્વતંત્ર સર્વેયરની મદદથી વેચાણની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ નક્કી કરી, અખબારોમાં જાહેરખબરો આપી 20મી એપ્રીલ સુધીમાં તેનું વેચાણ કરી દેવા શેરીફને હૂકમ કર્યો છે.

કૉર્ટના હૂકમથી દિનદયાળ પોર્ટ પ્રશાસનમાં છવાયો હર્ષોલ્લાસ

બોમ્બે હાઈકૉર્ટના ચુકાદાને હોંશભેર આવકારતાં પોર્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર શ્રીનિવાસને કચ્છખબરને જણાવ્યું કે, આ નિર્ણયથી દયનીય હાલતમાં જહાજ પર ગોંધાયેલાં નિર્દોષ ખલાસીઓ મુક્ત થશે. સાથોસાથ એકસાથે પાંચ જહાજ હટી જવાથી ઓટીબીમાં સતત તોળાતો રહેતો જહાજી અકસ્માતનો ખતરો પણ ટળી જશે. ખાડીમાં હાલ વરૂણ વેસલ્સના પાંચ ટેન્કર શીપ ઉપરાંત ‘નોટિકલ ગ્લોબલ’ના બે શીપ ‘કૉર્ટ અરેસ્ટ’ હાલતમાં પડેલાં છે. ‘નોટિકલ ગ્લોબલ’ના ખલાસીઓની પણ આવી દયનીય હાલત હોવાનું શ્રીનિવાસને જણાવ્યું હતું.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!