click here to go to advertiser's link
Visitors :  
29-Mar-2025, Saturday
Home -> Vishesh -> Abdul Gafur Khatri An artist of Rogan honoured by Padmashree Read story about him
Saturday, 26-Jan-2019 - Bhuj 10074 views
રોગાનના કલાવાહકને ‘પદ્મશ્રી’: જાણો 3 સદી જૂની રોગાનની વ્હાઈટ હાઉસ સુધીની સફર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નમક અને ઉજ્જડ ખારાપાટની અફાટ મરુભૂમિના પ્રદેશમાં હૃદયમાં ઉમટતાં રંગો કલાસ્વરૂપે ઉભરી-ઉતરી આવ્યા છે. આવી જ એક કલા છે રોગાન.
Video :

3 સદી પ્રાચીન અને લુપ્ત થવાના આરે આવીને ઉભેલી રોગાન આર્ટને જાળવવા ઝઝુમી રહેલાં નિરોણાના અબ્દુલ ગફૂર ખત્રીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી જાહેર થતાં નાનકડું નિરોણા જ નહીં આખો કચ્છડો અને કચ્છના કલારસિકોના હૈયે હરખ છવાઈ ગયો છે.

300 વર્ષ જૂની પર્સિયન કળા- કાપડ પર ઉતરે છે કસબ

અબ્દુલભાઈ જણાવે છે કે રોગાન આર્ટ મૂળ પર્સિયાની કળા છે. પર્સિયન ભાષામાં રોગાનનો અર્થ થાય છે તૈલી (તેલયુક્ત). આ કળાને મૂર્તિમંત કરવા માટે દિવેલીયું (એરંડાનું તેલ) બેઝ છે. એક પાત્રમાં એરંડાના તેલને છથી બાર કલાક સુધી ઉકાળવામાં આવે છે. ઉકળી-ઉકળીને આ તેલ ગાઢું બની જાય છે. ત્યારબાદ, આ તેલને પાણીથી તૈયાર કરેલી વનસ્પતિ રંગોના રગડા સાથે મિશ્ર કરી પેસ્ટ બનાવાય છે. આ પેસ્ટ હથેળીમાં લઈ સોયાની મદદથી તેના લવચીક તારને કાપડ પર ઉતારવામાં આવે છે. વસ્ત્ર પર કોઈ આગોતરી ડિઝાઈન કે ડ્રોઈંગ કરાયેલું હોતું નથી. બસ અબ્દુલભાઈના હૃદયમાં ઉમટતાં રંગો અને ચિત્ર કે આકાર કાપડ પર સાકાર થતાં જાય છે. જમીન પર બેસીને રોગાનના રંગો કાપડ પર ઉતારવામાં અબ્દુલભાઈ એટલાં તલ્લીન હોય છે કે ઘણીવાર કલાકોના કલાકો વીતી જાય છે.

મોરના ઈંડા ચીતરવા ના પડેઃ રોગાન અમારા લોહીમાં વહે છે

3 સદી જૂની આ પ્રાચીન કલા આજે આખા દેશમાં એકમાત્ર ખત્રી પરિવાર જાળવીને બેઠો છે. અબ્દુલભાઈ જણાવે છે કે ત્રણ-ચાર દાયકા અગાઉ રોગાન કલા વિશે લોકોને કોઈ ખાસ જાણકારી નહોતી. રોગાન જાણનારાં પરિવારો રોજી માટે અન્ય વ્યવસાયમાં વળી ગયાં. આ કલાવારસો લુપ્ત થવા માંડ્યો. ખુદ અબ્દુલભાઈ 1980ના દાયકામાં કામધંધાની શોધમાં અમદાવાદ-મુંબઈ ગયા હતા. પરંતુ, નિરોણામાં તેમના પિતા અને દાદાએ આ કલાને જીવતી રાખી હતી. હસ્તકલાને સરકારી પ્રોત્સાહન મળવા માંડ્યું. અબ્દુલભાઈને પિતા-દાદાએ વતન પરત બોલાવી લીધાં. અબ્દુલભાઈ પણ રોગાનના રંગે રંગાઈ ગયાં. તેમણે ત્યારે પિતા-દાદાને વચન આપ્યું હતું કે જોજો, એક દિવસ હું આ કલાને આંતરરાષ્ટ્રીય લેવલ પર લઈ જઈશ. તેમનું આ વચન 2014માં પૂર્ણ થયું હતું. 2014માં નરેન્દ્ર મોદી અમેરિકામાં પ્રમુખ બરાક ઓબામાને મળ્યાં ત્યારે તેમણે ઓબામાને અબ્દુલભાઈએ તૈયાર કરેલાં ખાસ ‘ટ્રી ઑફ લાઈફ’ના પીસની ભેટ આપી હતી. અબ્દુલભાઈની રોગાન કલાના નમુના બીગ બી અમિતાભ બચ્ચન, શબાના આઝમી, વહીદા રહેમાન, ક્રિકેટર યુસુફ પઠાણ, શેખર કપૂર, સંજય લીલા ભણસાલી, નેપાળના પૂર્વ પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડ, રાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી લઈ અનેક હસ્તીઓ નિહાળી ચૂકી છે. આ અનેક હસ્તીઓ નિરોણામાં તેમના ઘરની મુલાકાત લઈ ચૂકી છે. જાણીતી હસ્તીઓ ઉપરાંત કચ્છ આવતાં વિશ્વભરના કલારસિક પ્રવાસીઓ અચૂક તેમના ઘરની મુલાકાત લઈ કાપડ પર સાકાર થતી રોગાનના સાક્ષી બની રહ્યાં છે. અબ્દુલભાઈ કહે છે કે આ કલા વંશપરંપરાગત રીતે અમારી રગ-રગમાં વહે છે. મોરના ઈંડાને ચીતરવા ના પડે. તેમના પરિવારની 8મી પેઢી આ કલાવારસાને આગળ ધપાવી રહી છે.

ખત્રી પરિવારે રોગાન આર્ટને અનેક સ્તર પર વિસ્તારી

અબ્દુલ ગફૂરથી લઈ તેમના પરિવારના વિવિધ સભ્યોને અત્યારસુધીમાં વિવિધ સંસ્થા-સરકારો દ્વારા માન-અકરામો પ્રાપ્ત થઈ ચૂકેલાં છે. જો કે, પદ્મશ્રી સર્વોચ્ચ છે. એક જમાનામાં ચોળી-ઘાઘરા કે નવોઢાના વસ્ત્રો પર રંગાતી રોગાનને ખત્રી પરિવાર તેમની સુઝબુઝ સાથે વૉલ પીસ, તકિયાના કવર, ફાઈલ ફોલ્ડર, પર્સ પર વિસ્તારી ચૂક્યો છે. તો, નિરોણાથી લઈ આ કલા એમેઝોન જેવા વૈશ્વિક ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ છે. એક જમાનામાં ખત્રી પરિવારના પુરુષો જ આ કલાના વાહકો હતા. જો કે, છેલ્લાં થોડાંક વર્ષોથી તેમણે આ કલાને વિસ્તારવા સ્થાનિક યુવતીઓને તે શીખવવાનું શરૂ કર્યું છે. હાલ નિરોણાની વીસ યુવતીઓ પણ  કલા સાથે જોડાયેલી છે. રોગાનના જ્યોતિર્ધરને જાહેર કરાયેલો પદ્મશ્રી સાચ્ચે જ ‘સન્માન’ને સાર્થક કરે છે.

Share it on
   

Recent News  
UCC અંગે મળેલી બેઠકમાં કોંગ્રેસની બાદબાકી! કલેક્ટરને તટસ્થ રહેવા કોંગ્રેસની સલાહ
 
કિશોરીના અપહરણ, વારંવાર દુષ્કર્મ બદલ નિરોણાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ
 
દીકરીને ભગાડનાર યુવકના પિતા પર ૩ મહિલાનો ધોકાથી જાહેરમાં હિંસક હુમલો: VDO વાયરલ