કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છની વિવિધ હસ્તકળાઓના કેન્દ્ર સમાન નખત્રાણા તાલુકાના નિરોણા ગામને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આદર્શ ગામ તરીકે દત્તક લીધું છે. આજે પ્રથમવાર આદર્શ ગામની મુલાકાતે આવેલાં સ્મૃતિ ઈરાનીએ ગામમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરવા સાથે લોકોને પ્રેમ જોઈ ભાવવિભોર થઈ જણાવ્યું હતું કે, મેં નિરોણા ગામને નહીં પણ નિરોણાના ગ્રામજનોએ જાણે મને દત્તક લીધી છે. ગામમાં પ્રવેશ સાથે જ ભૂમિપૂજન કર્યા બાદ કુમારિકાઓની ઉપસ્થિતિમાં તેમનું સ્વાગત કરાયું હતું. બાદમાં ઈરાનીએ રોગાન આર્ટના કારીગર અબ્દુલ ગફૂર ખત્રી સહિતના કારીગરોની મુલાકાત લઈ રોગાન આર્ટના ચાલતાં તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. દુર્લભ એવી રોગાન આર્ટના કારીગરોએ શેડ બનાવી આપવા, દેશ અને વિશ્વસ્તરે રોગાન આર્ટની કલાત્મક ચીજવસ્તુઓનું યોગ્ય માર્કેટીંગ કરવા સહિતની વિવિધ રજૂઆત-માંગણી કરી હતી. જે અંગે ઈરાનીએ ઘટતું કરવા ખાત્રી આપી હતી.
ફ્રી વાઈ-ફાઈ, CCTV સાથે ગામને સંપુર્ણ ડિજિટલ બનાવવાનો સંકલ્પ
નિરોણાના બસ સ્ટેન્ડ નજીક યોજાયેલી જાહેરસભામાં સ્મૃતિ ઈરાનીએ નિરોણાને 'આદર્શ' ગામ બનાવવા માટે વિવિધ વિકાસકાર્યોની જાહેરાત કરી હતી. તેમણે નિરોણામાં ફ્રી વાઈ-ફાઈ સુવિધા અને સર્વત્ર સીસીટીવી કેમેરા સાથે ગામને સંપુર્ણ ડિજિટલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. નિરોણાની હાઈસ્કુલમાં સાયન્સ લેબ શરૂ કરવાની, ગામની કન્યા અને કુમાર શાળા તેમજ સાંસદ વિનોદ ચાવડાએ દત્તક લીધેલાં કુરન ગામની શાળામાં કૉમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
સાંસદનિધિમાંથી 1 કરોડના ખર્ચે પ્રથમ તબક્કે વિવિધ વિકાસકાર્યો
ઈરાનીએ જણાવ્યું કે નિરોણાને આદર્શ ગામ તરીકે દત્તક લીધું તે સાથે જ અગાઉ મેં વિવિધ વિકાસકાર્યો માટે સાંસદ નિધિમાંથી 1 કરોડ રૂપિયા ફાળવ્યાં હતા. ગ્રામજનોએ વિવિધ રજૂઆતો-માંગણીઓ કરી છે તે અંગે પણ કલેક્ટરના માધ્યમથી કામગીરી કરાતી રહેશે. ગ્રામજનોએ આપેલી તલવારની ભેટને સ્વિકારી તેમણે આગવી લાક્ષણિક્તાથી મ્યાનમાંથી તલવાર બહાર ખેંચી હતી. આ પ્રસંગે નિરોણાના વિકાસ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી તેમણે નવરાત્રિના સપરમા દિવસોમાં એક મહિલાના નેતૃત્વમાં આજે નિરોણા ગામ 'આદર્શ ગામ' તરીકે દત્તક લેવાયું તેને સુખદ સંયોગ ગણાવ્યો હતો.
નિરોણાને નર્મદા નીરની ફાળવણી
સાંસદના આગમનના ત્રણેક દિવસ પૂર્વે નિરોણાના ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ ગામમાં ખારું પાણી મળતું હોવાનું જણાવી નર્મદાના મીઠા જળ આપવા રજૂઆત કરી હતી. જેનાં પગલે નિરોણાને હવે નર્મદાના નીર મળતાં થઈ જશે. આજે સમ્પમાં નર્મદાના નીર ઠલવાયાં હતા.
પરપ્રાંતીયોની હિજરત અંગે કહ્યુઃ વિવિધતામાં એકતા તેમાં જ ભારતનું તેજ
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેના વાર્તાલાપમાં સ્મૃતિ ઈરાનીએ ગુજરાતમાં ભયના ઓથાર હેઠળ પરપ્રાંતીય મજૂરોએ હિજરત શરૂ કરી હોવાના ઘટનાક્રમ સંદર્ભે મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે, અલગ અલગ ભાષા-બોલી છતાં સહુ ભારતીયો એક બંધારણના છત્ર હેઠળ બંધાઈને રાષ્ટ્રનિર્માણમાં જોડાયેલાં છીએ અને તેમાં જ ભારતની પ્રતિભા, પરાક્રમ અને તેજ રહેલાં છે. નિરોણાના કાર્યક્રમ પૂર્વે તેમણે ભુજમાં મહારાવ મદનસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરી માર્ગનું નામાભિધાન કર્યું હતું. નિરોણાના કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કલેક્ટર રેમ્યા મોહન, ડીડીઓ પ્રભવ જોશી, ભુજ અને નખત્રાણા તાલુકા પંચાયતના સહિતના વિવિધ મહાનુભાવો-અધિકારીઓ વગેરે જોડાયા હતા. સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમમાં વિરોધ ના થાય તેની અગચમેતી વાપરી દર વખતની જેમ પોલીસે કેટલાંક કોંગ્રેસી અને સામાજિક કાર્યકરોને નજરકેદ તેમજ અટકમાં રાખ્યા હતા.
Share it on
|