કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર દ્વારા) કચ્છની દસ તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાસે સમખાવા પૂરતી રહેલી એક માત્ર લખપત તાલુકા પંચાયત પણ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. માત્ર 2 સભ્યોની પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલી કોંગ્રેસને શરૂઆતથી જ તાલુકા પંચાયતરૂપી ગઢ સાચવવાની ફિકર હતી. તેમાંય ભાજપે માંડવી તાલુકા પંચાયતના સભ્યોને પોતાના તરફ ખેંચી લીધા બાદ કોંગ્રેસ લખપતનો 'ગઢ' છીનવાઈ ના જાય તે માટે સતર્ક હતી. પરંતુ, આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના લખપત તાલુકા પંચાયતરૂપી ગઢના કાંગરા ખેરવવામાં સફળ રહ્યો છે.
ભાજપે માત્ર 1 મહિલા સભ્ય ખેરવ્યાં ને નસીબે પણ આપ્યો સાથ
કુલ 16 સભ્યો ધરાવતી લખપત તાલુકા પંચાયતમાં 9 સદસ્યો કોંગ્રેસના અને 7 સદસ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા. આજે બપોરે ત્રણ વાગ્યે તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પાનધ્રો-3ની આદિજાતિની અનામત બેઠક પરથી ચૂંટાયેલાં કોંગ્રેસના સભ્ય વિણાબેન બાબુલાલ અસારીએ એકાએક પાટલી બદલીને ભાજપને ટેકો આપતાં બંને પક્ષના ઉમેદવારોને 8-8 મત મળ્યાં હતા અને ટાઈ પડી હતી. નિયમ મુજબ ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી દ્વારા ‘લકી ડ્રૉ’ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભાજપનું નસીબ ચમક્યું હતું અને ચિઠ્ઠીએ તાલુકા પંચાયતમાં સત્તાપલટો કર્યો હતો. તા.પં. પ્રમુખ તરીકે ભાજપના નૂરબાઈ હાસમ મંધરા અને ઉપ પ્રમુખ તરીકે વિક્રમસિંહ સોઢા ચૂંટાઈ આવ્યાં છે.
કોંગ્રેસ લાલચોળ, પક્ષાંતરવિરોધીધારા હેઠળ કાર્યવાહી કરશે
લખપતના ગઢમાં ગાબડું પડતાં કોંગ્રેસ લાલચોળ થઈ ગઈ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, જનતા ભાજપને જાકારો આપે છે છતાં ભાજપ સત્તા વગર રહી શકતો નથી અને તે સત્તા માટે તે ગમે તે હદે જઈ શકે છે. જે લોકશાહી માટે કલંક સમાન છે. વિણાબેનના પતિ બાબુલાલ જીઈબીમાં સરકારી કર્મચારી છે. તેમના પર દબાણ કે બદલી-પ્રમોશન જેવી લાલચો આપીને ભાજપ તરફી મતદાન કરાવ્યું હોય તેવી સંભાવના જણાય છે. આજે ચૂંટણી સમયે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો અને કોંગ્રેસના આગેવાનોને દૂર રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના નિશાન પર વિજેતા થઈને પક્ષના આદેશ(વ્હિપ)નો અનાદર કરીને ભાજપની તરફેણમાં મતદાન કરનાર તમામ સભ્યો વિરુધ્ધ પક્ષાંતરવિરોધી ધારા હેઠળ કાર્યવાહી કરાશે. આ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસને અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. કોંગ્રેસે જરૂર પડ્યે કૉર્ટનો આશ્રય લેવાની ચીમકી ઉચ્ચારી છે.
લખપતમાં પણ ‘કર્ણાટક’વાળી કરેલી પણ બાબુલાલ બાજી સરકાવી ગ્યા!
માંડવીની જેમ લખપતના ગઢમાં ગાબડું પાડવા ભાજપ તત્પર હોવાનો કોંગ્રેસને પહેલાંથી અંદેશો હતો. એટલે જ પ્રમુખ-ઉપ પ્રમુખની આજની ચૂંટણી પૂર્વેના 3 દિવસથી કોંગ્રેસે તમામ નવેય સભ્યોને એક જ સ્થળે સાચવી રાખ્યાં હતા. સ્થાનિક કોંગ્રેસ આગેવાન અને જિ.પં.ના સદસ્ય હઠુભા સોઢાએ કચ્છખબરને જણાવ્યું કે સોમવાર અને મંગળવારે તમામ નવ સદસ્યોને માતાના મઢમાં કોંગ્રેસના પૂર્વ સરપંચ ધાલાભાઈ કુંભારની બેઠકમાં સાચવવામાં આવ્યાં હતા. આજે ચૂંટણી હોઈ તમામ સભ્યોને કોંગ્રેસના મહામંત્રી પી.સી. ગઢવીના બંગ્લે ખસેડાયાં હતા. તમામ સદસ્યો બપોરનું ભોજન લઈ સાથે નીકળ્યાં હતા. પરંતુ, પંચાયતના સભાખંડમાં જઈને વિણાબેને એકાએક પાટલી બદલી નાખી હતી. વિણાબેને મારેલી પલ્ટીથી કોંગ્રેસના સભ્યોએ શોરબકોર કરી મુકતાં વિણાબેન રડવા માંડ્યા હતા. હઠુભાએ જણાવ્યું કે, ભાજપે આખો ખેલ વિણાબેનના પતિ બાબુલાલ મારફતે પાર પાડ્યો છે.
Share it on
|