કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોરોનાની મહામારી વચ્ચે કચ્છમાં સ્થાનિકે જ લેબોરેટરી શરૂ કરવાના પ્રયાસો અંતે રંગ લાવ્યા છે અને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે કોરોનાની લેબને મંજૂરી આપી દેવાઈ છે. અદાણી મેડિકલ કોલેજે કોવિડ-૧૯ લેબોરેટરી માટેનાં તમામ નિયત ધોરણો સફળતાપૂર્વક પાર કરી દેતા દિલ્હીસ્થિત નેશનલ એક્રીડીટેશન બૉર્ડ ઑફ લેબોરેટરી (NABL) અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (ICMR)એ જી.કે.ની લેબને મંજૂરી આપી દીધી છે. NABLની માન્યતા મળી ગયા બાદ ICMRની મંજૂરીનો બીજો કોઠો વીંધવાનો બાકી હતો. ICMR દ્વારા મોકલાયેલાં ચાર સેમ્પલનું ભુજની લેબોરેટરીના સ્ટાફે સફળતાપૂર્વક સચોટ ટેસ્ટીંગ કરી આપતાં લેબોરેટરીને મંજૂરી આપી દેવાઈ છે. અદાણી મેડિકલ કોલેજની વિશાળ પ્રયોગશાળામાં ખાસ કોવિડ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાંચ અલગ-અલગ વિભાગમાં વિભાજીત આ લેબમાં નમુના મેળવવાથી માંડીને પ્રાથમિક પૃથ્થકરણ, શુધ્ધિકરણથી લઈને સેમ્પલ ટેસ્ટીંગ આવરી લેવામાં આવ્યા છે. જેથી કોરોનાના સેમ્પલના પરિણામ ઝડપથી મળશે. પરિણામ ઝડપથી મળતા સારવારમાં પણ ઝડપ આવશે. મેડિકલ કોલેજની લેબોરેટરીના ઇન્ચાર્જ ડૉ. હિતેશ આસુદાની અને ડૉ. કૃપાલી કોઠારીના જણાવ્યા અનુસાર નમુનાની ચકાસણી માટે છ ટેકનિશીયન તૈનાત કરવામાં આવ્યા છે. તમામ તાલીમબદ્ધ છે. આ કાર્ય માટે જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રના ટેકનિશીયનો સહિતનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં નમુનાનું પરિણામ આવી જાય તે મુજબ રોજના ૯૦ જેટલા ટેસ્ટની ઝડપ પ્રમાણે નમુનાની ચકાસણી કરાશે. આ અંગે જરૂરી નમુનાની ચકાસણી માટેની કિટ અને રિ-એજન્ટ રાજ્યસ્તરેથી આવી જતા કામગીરી શરુ કરી દેવામાં આવશે. દરમિયાન, ફેડરેશન ઑફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) એ જણાવ્યું છે કે, ભુજમાં તાકીદે લેબ શરૂ કરવા તેમણે રાજ્યમંત્રી વાસણ આહીરને રજૂઆત કરી હતી. મંત્રીએ પણ આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. જેના પગલે લેબને ઝડપથી મંજૂરી મળી છે.
(કચ્છખબરના માધ્યમથી કચ્છના તાજા સમાચાર સૌપ્રથમ જાણવા હેતુ અમારા વોટસએપ ગૃપમાં જોડાવા 93742 15159 નંબર પર આપનું નામ-સરનામું લખીને વોટસએપ પર મેસેજ મોકલવો, ફોન-એસએમએસ ના કરવા)
Share it on
|