click here to go to advertiser's link
Visitors :  
26-Apr-2024, Friday
Home -> Kutch -> 3 month old baby get real vision after her birth Read full story here
Tuesday, 24-Apr-2018 - Rapar 78585 views
પ્રાગપરની નવજાત બાળકીને જન્મ્યાંના સાડા 3 માસ બાદ 'દ્રષ્ટિ' મળી!

કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના તાલુકાના પ્રાગપર ગામે શ્રમજીવી પરિવારમાં જન્મેલી એક માસુમ દીકરીને જન્મ્યાના સાડા 3 માસ બાદ સાચા અર્થમાં દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. પ્રાગપરની દયાબેન મુકેશ પરમાર નામની મહિલાએ ગત સાતમી જાન્યુઆરી 2018ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. જો કે, ‘પ્રિન્સી’ની નજર સામે કોઈ ચીજ હલનચલન કરે તો કોઈ પ્રતિભાવ આપતી નહોતી. પ્રિન્સીની આંખમાં કોઈ બીમારી હોવાની શંકાએ માતા-પિતાના ‘મોતિયાં’ મરી ગયાં હતા. આરોગ્ય સુવિધાઓના અભાવ વચ્ચે ગરીબ માવતર પ્રિન્સીને લઈ ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. જો કે, પ્રિન્સીની દ્રષ્ટિરોગનું નિદાન નિષ્ણાત તબીબ જ કરી શકે તેમ હોઈ ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)’ યોજના હેઠળ તેને સરકારી વાહનમાં ભુજની જનરલ હોસ્પિટલમાં મોકલાઈ હતી. અહીં પ્રિન્સીને બંને આંખે જન્મજાત મોતિયો હોવાનું નિદાન થયું હતું. જન્મજાત બાળકીની આંખના મોતિયાનું ઓપરેશન ભારે જહેમતભર્યું હોઈ છેવટે તેની બંને આંખની સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાવવા નિર્ણય લેવાયો હતો. અગાઉ એક આંખના મોતિયાની ફેકો સર્જરી કરાયાં બાદ ગઈકાલે પ્રિન્સીની બીજી આંખનું ઓપરેશન કરી મોતિયાને બહાર કાઢી લેવાયો છે. જન્મજાત દ્રષ્ટિની ખામી સાથે જન્મેલી પ્રિન્સી જન્મના સાડા ત્રણ મહિના બાદ સાચા અર્થમાં વિશ્વને નિહાળી શકવા સમર્થ થઈ છે. શ્રમજીવી પરિવારની બાળકીના રોગનું સમયસર નિદાન અને ચિકિત્સા થઈ તેના માટે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)’ યોજના અને સ્થાનિકે કાર્યરત આરોગ્ય વર્કર મહાદેવભાઈ બારડ અને ફિમેલ હેલ્થ વર્કર કિંજલબેન ધાનાણીને પણ શ્રેય જાય છે. કચ્છખબર સાથે વાત કરતાં મહાદેવભાઈએ જણાવ્યું કે, આ છેવાડાના વિસ્તારમાં અમે સાતથી આઠ જેટલાં બાળકો કે જેને ક્લબ ફૂટ હોય, ફાટેલાં તાળવા હોય કે હૃદયરોગની બીમારી હોય તેમને સમયસર સારવાર અપાવી છે.

મોતિયો મોટી ઉંમરે જ આવે તેવું જરૂરી નથી

સામાન્ય રીતે લોકો એમ માનતાં હોય છે કે વૃધ્ધાવસ્થામાં આંખે મોતિયો આવતો હોય છે. નેત્ર નિષ્ણાતો જણાવે છે કે, આ વાત મહદઅંશે સાચી છે. પરંતુ, મોતિયો ગમે તેને થઈ શકે છે. પ્રિન્સી જેવા અનેક બાળકો જન્મજાત મોતિયો લઈને અવતરે છે. તબીબી ભાષામાં તેને ‘કન્જેનાઈટલ કેટરેક્ટ’ કહે છે. ક્યારેક, આંખમાં તીક્ષ્ણ હથિયાર કે ચીજવસ્તુ ઘુસી જાય અને અંદરના કુદરતી મણિને નુકસાન કરે ત્યારે પણ એકાએક મોતિયો થઈ જતો હોય છે જેને ‘ટ્રોમેટીક કેટરેક્ટ’ કહેવાય છે. મોતિયાની સમયસર સારવાર જરૂરી છે. કારણ કે, જો તે પક્વ થઈને આંખમાં વેરાઈ જાય તો કાયમી ધોરણે દ્રષ્ટિની ખામી સર્જાઈ શકે છે.

Share it on
   

Recent News  
ભાજપ સામેનો આક્રોશ સરહદી ગામ સુધીઃ ખડીરમાં ચાવડાના કાફલાને રાજપૂતોએ અટકાવ્યો
 
માંડવીનો રીઢો શખ્સ ગાંધીધામના ગુનામાં ઝડપાયોઃ ગાંધીધામમાં ગાંજો વેચતો યુવક ઝબ્બે
 
કચ્છ ટ્રક ઓનર્સ એસો.માં ભાગલાઃ પ્રમુખ રીપીટ થતાં હરીફ જૂથે પોતાના પ્રમુખ નીમ્યાં