કચ્છખબરડૉટકોમ,ભુજઃ પશ્ચિમ કચ્છમાં મોથાળા પાસે કારની ટક્કરે એક યુવકનું મોત નીપજ્યું છે. તો, અબડાસાના વાંકુ નજીક માર્ગ અકસ્માતના અન્ય એક બનાવમાં 42 વર્ષિય યુવકને ઈજા થતાં જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો છે. અબડાસાના મોથાળામાં પેટ્રોલ પમ્પ નજીક આજે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં પલ્સર બાઈક પર જઈ રહેલાં ગામનાં ત્રણ યુવકોને અજાણી સ્વિફ્ટ કારે ટક્કર મારતાં પ્રદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના 26 વર્ષિય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં રામભા જોરૂભા જાડેજા (ઉ.વ.40) અને લગધીરસિંહ લાધુભા જાડેજા નામના અન્ય બે યુવકને નાની મોટી ઈજા થઈ હતી. જે પૈકી રામભાને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયાં હતા. દુર્ઘટનાનો ભોગ બનનારાં ત્રણેય યુવકો મોથાળાના હોવાનું પોલીસે જણાવ્યું છે. અકસ્માત સર્જ્યાં બાદ કારચાલક નાસી છૂટ્યો હતો. બીજી તરફ, આજે બપોરે અબડાસાના વાકું નજીક ભેદી ગામના રોડ પર અજાણ્યા ટ્રકચાલકે મોટર સાયકલને અડફેટે લેતાં 42 વર્ષના યોગેશ કલ્યાણભાઈ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યોગેશને સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલે ખસેડાયો છે.
Share it on
|